Saturday, March 21, 2026
Home जैन कथाएं વલભી વિશે ઇન્ટરનેટ પર ફેલાતી ખોટી તસવીરો અને ગેરમાર્ગે દોરતી માહિતી –...

વલભી વિશે ઇન્ટરનેટ પર ફેલાતી ખોટી તસવીરો અને ગેરમાર્ગે દોરતી માહિતી – સાવધાન રહેવાની જરૂર

પ્રાચીન ભારતના જ્ઞાનના દીવાદાંડી સમાન કેન્દ્રોમાં જ્યારે નાલંદા અને તક્ષશિલાનું નામ લેવાય છે, ત્યારે તેની સાથે જ ગૌરવપૂર્વક વલભી વિદ્યાપીઠનું નામ પણ જોડાયેલું છે. આજનું વલભીપુર (જિલ્લો ભાવનગર, ગુજરાત) એ જ ભવ્ય પ્રાચીન વલભી છે. પરંતુ, આજના ડિજિટલ યુગમાં વલભીના ઇતિહાસ સાથે અજાણતા ઘણી ગેરસમજણો અને ખોટી માહિતી જોડાઈ રહી છે. આ લેખનો હેતુ કોઈની ટીકા કરવાનો નથી, પરંતુ સંશોધકો અને જિજ્ઞાસુઓ સુધી સાચો ઇતિહાસ પહોંચાડવાનો છે.

ઇન્ટરનેટ પર દેખાતા મોટાભાગના ફોટા વલભીના નથી

જો Google માં “Valabhi” અથવા “Valabhi University” શોધો તો જે તસવીરો દેખાય છે, તેમાંના મોટા ભાગના ફોટા નાલંદા યુનિવર્સિટી, બૌદ્ધ મઠ, અન્ય ખોદકામ સ્થળ, પ્રતીકાત્મક ruins અથવા stock photos હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે ઇન્ટરનેટ પર મૂકેલા મોટા ભાગના ફોટા વાસ્તવિક વલભીના નથી.

વાસ્તવમાં આજના વલભીપુર ખાતે નાલંદા જેવી મોટી ઇમારતોના અવશેષ ખુલ્લા રૂપમાં દેખાતા નથી.

છેલ્લા એક વર્ષથી પુરાતત્વ વિભાગ દ્વારા વલભીપુરમાં ઉત્ખનન શરૂ થયું છે, જેમાં જૈન, બૌદ્ધ અને શૈવ ધર્મના પાયાના અવશેષો મળી રહ્યા છે. વલભીપુરના પાદરમાં ‘ઘેલો’ નદીના કાંઠે, તળાવની નજીક થતા ખોદકામમાં હડપ્પન સંસ્કૃતિના પણ અંશો મળી આવ્યા છે, જે સૂચવે છે કે આ નગર હજારો વર્ષ જૂનું છે.

શૈક્ષણિક વેબસાઇટ્સ અને ઘણી વેબસાઇટો ચકાસ્યા વગર ફોટા મૂકે છે

ઘણી UPSC નોટ્સ કે શૈક્ષણિક બ્લોગ્સ વલભી વિશે માહિતી લખતી વખતે માત્ર સજાવટ માટે ગમે તે જૂના ખંડેરોના એક જ પ્રકારના ફોટા મૂકી દે છે. આનાથી વિદ્યાર્થીઓના મનમાં વલભીની ખોટી છબી અંકિત થાય છે. ઇતિહાસમાં ‘પ્રતીકાત્મક’ (Symbolic) ચિત્ર અને ‘વાસ્તવિક’ (Original) ચિત્ર વચ્ચેનો તફાવત સમજવો અનિવાર્ય છે.

પ્રાચીન વિદ્યાપીઠ vs આધુનિક યુનિવર્સિટી

ઘણી વેબસાઇટ્સ વલભી વિદ્યાપીઠને આજની આધુનિક યુનિવર્સિટીના માળખા સાથે જોડી દે છે, જેમ કે:

  • Courses એડમિશન પ્રોસેસ, ફી સ્ટ્રક્ચર કે પ્લેસમેન્ટના મુદ્દાઓ.
  • હકીકત: વલભી એ સમયે મૈત્રક વંશના રાજાઓના આશ્રયે ચાલતું જ્ઞાનનું કેન્દ્ર હતું, જ્યાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાન મેળવવા આવતા. ત્યાંની શિક્ષણ પદ્ધતિ તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને ધર્મશાસ્ત્ર પર આધારિત હતી, નહીં કે આજના કોમર્શિયલ ફોર્મેટ પર.

વલભી વિદ્યાસ્થાન અને શ્રીમલ્લવાદી સૂરી : પાઠ્યપુસ્તકના પાઠમાં રહેલી સૂક્ષ્મ ગૂંચવણ અને તેનીથી સર્જાતી ઐતિહાસિક ગેરસમજ

ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં ‘વલભી વિદ્યાસ્થાનમ્’ પાઠમાં એક વાક્ય છે: 

“ख्रिस्तस्य चतुर्थ्या शताब्द्यामेव सुप्रसिद्धौ बौद्धाचार्यौ स्थिरमति-गुणमति, जैनाचार्यः श्रीमल्लवादी सूरिः च अत्रैव विद्याव्यासंग कुर्वन्ति स्म।”

આ વાક્યનો સામાન્ય અર્થ એવો થાય છે કે ચોથી સદીમાં પ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિ તથા જૈનાચાર્ય શ્રીમલ્લવાદી સૂરી અહીં જ વિદ્યાવ્યાસંગ કરતા હતા. કારણ કે સમગ્ર પાઠનો વિષય “વલભી વિદ્યાસ્થાન” છે, તેથી વિદ્યાર્થી અને શિક્ષક સહજ રીતે “અત્રૈવ” શબ્દનો અર્થ વલભી વિદ્યાપીઠમાં એવો લઈ શકે છે.

અહીંથી એક સુક્ષ્મ ગૂંચવણ ઊભી થાય છે.

૧. “अत्रैव” વ્યાકરણ પ્રમાણે શું સૂચવે છે?

अत्र = અહીં
एव = જ / exactly here

અટલે अत्रैव = અહીં જ

પરંતુ સંસ્કૃતમાં “અહીં” નો અર્થ વાક્યના સંદર્ભમાં જે વિષય ચાલે છે તેની અંદર થાય છે.

૨. આ પાઠમાં મુખ્ય વિષય શું છે?

પાઠની શરૂઆતથી મુખ્ય વિષય છે:

“वलभी विद्यास्थानम्”

અર્થાત્
➡ વલભીનું વિદ્યાસ્થાન / વિદ્યાપીઠ

આથી આગળના બધા વાક્યો એ જ વિષયને સમજાવે છે.

૩. તેથી “अत्रैव” શું સૂચવે?

સંદર્ભ પ્રમાણે:

अत्रैव = અહીં જ → વલભી વિદ્યાસ્થાનમાં

ન કે:

  • માત્ર વલભી શહેરમાં
  • અથવા ગુજરાતમાં

કારણ કે સંસ્કૃતમાં જો માત્ર નગર સૂચવવું હોય તો સામાન્ય રીતે લખાય:

  • वलभ्यां (વલભીમાં)
  • અથવા वलभीनगरे

પરંતુ અહીં લેખકે પહેલાથી જ વિષય “विद्यास्थान” રાખ્યો છે.

એટલે “અત્ર” તે જ વિષય તરફ પાછું ઈશારો કરે છે.

વ્યાકરણ અને પાઠના સંદર્ભ પ્રમાણે

“अत्रैव” નો સંદર્ભ “वलभी विद्यास्थानम्” તરફ જ જાય છે.

અટલે પાઠનો સીધો અર્થ એવો બને છે:

ચોથી સદીમાં સ્થિરમતિ, ગુણમતિ અને શ્રીમલ્લવાદી સૂરી અહીં જ (વલભી વિદ્યાસ્થાનમાં) વિદ્યાવ્યાસંગ કરતા હતા.

જ્યારે પાઠ્યપુસ્તકમાં આવા શબ્દો વપરાય છે ત્યારે નવી પેઢી તેને જ અંતિમ સત્ય માની લે છે. ઇતિહાસમાં સ્થળ (નગર) અને સંસ્થા (વિદ્યાપીઠ) વચ્ચેની રેખા સ્પષ્ટ હોવી જોઈએ.

જૈન પરંપરામાં શ્રીમલ્લવાદીસૂરીને એક મહાન તર્કશાસ્ત્રી અને આચાર્ય તરીકે માન આપવામાં આવે છે. તેઓ વલભીના વતની હતા અને બૌદ્ધ વિદ્વાનો સાથેના શાસ્ત્રાર્થ માટે પ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં તેમના વિષેનો ઉલ્લેખ મુખ્યત્વે બૌદ્ધ આચાર્યો સાથે થયેલા તત્ત્વચર્ચા અને તેમના વિદ્વત્તાપૂર્ણ વિજય સાથે જોડાયેલો જોવા મળે છે. ‘द्वादशार नयचक्र’ નામે ગ્રંથ તૈયાર કર્યો હતો. એ જૈન ન્યાયનો ઘણો મહત્વનો પ્રાચીન ગ્રંથ ગણાય છે. મૈત્રકકાલમાં આ ગ્રંથ વલભીમાં રચાયો હતો. 

જૈન પરંપરામાં આચાર્યોની શિક્ષણપ્રણાલી સામાન્ય રીતે ગુરુ-શિષ્ય પરંપરામાં વિકસે છે. અથવા ઉપાશ્રયમાં તેઓ વિદ્વાન પંડિત પાસે અભ્યાસ કરે છે. તેઓ વિદ્યાપીઠોમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા એવો ઉલ્લેખ સામાન્ય રીતે જોવા મળતો નથી. તેથી જો ‘વલભી વિદ્યાસ્થાનમ્’ પાઠમાંથી એવો અર્થ લેવાય કે શ્રીમલ્લવાદીસૂરી વલભી વિદ્યાપીઠમાં વિદ્યાર્થી કે અધ્યાપક તરીકે હતા, તો તે જૈન પરંપરાના પરિચિત વર્ણનો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો નથી.

અહીં પ્રશ્ન પાઠકારના આશયનો નથી. શક્ય છે કે લેખકનો હેતુ માત્ર એટલો જ હોય કે વલભી એ સમયના વિદ્વાનોની જ્ઞાનચર્ચાનું મહત્વનું કેન્દ્ર હતું. પરંતુ “અત્રૈવ” જેવા શબ્દપ્રયોગને કારણે વાક્યનો અર્થ થોડો અસ્પષ્ટ બની જાય છે.

શૈક્ષણિક લખાણમાં ભાષાની આ પ્રકારની અસ્પષ્ટતા ક્યારેક નાની લાગે, પરંતુ તેનો પ્રભાવ લાંબા ગાળે પડે છે. ખાસ કરીને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ જ્યારે ઇતિહાસ વિશે પ્રથમ સમજણ બનાવી રહ્યા હોય ત્યારે તેઓ પાઠમાં લખાયેલું સીધું જ સ્વીકારી લે છે.

એક કુમળા છોડ પર ટાંકણીથી ખેંચાયેલી રેખા જેવી રીતે સમય જતા વધુ સ્પષ્ટ દેખાય છે, તેવી જ રીતે પાઠ્યપુસ્તકના નાનકડા શબ્દપ્રયોગો પણ વર્ષો પછી ઇતિહાસની સમજ પર અસર કરી શકે છે.

આથી જરૂરી છે કે પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસિક વ્યક્તિઓ અને પરંપરાઓ વિશેની માહિતી શક્ય તેટલી સ્પષ્ટ અને સંદર્ભસંગત રીતે રજૂ થાય. જો વાક્યમાં થોડું વધુ સ્પષ્ટીકરણ ઉમેરવામાં આવે તો ગેરસમજ ટાળી શકાય.

વલભી ભારતના પ્રાચીન જ્ઞાનકેન્દ્રોમાંનું એક મહત્વપૂર્ણ સ્થાન હતું — આ સત્યમાં કોઈ શંકા નથી. પરંતુ સાથે સાથે વિવિધ ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓના ઐતિહાસિક વર્ણનોને પણ યોગ્ય સંદર્ભ સાથે રજૂ કરવું એટલું જ જરૂરી છે.

વિદ્યાર્થીઓ સુધી ઇતિહાસ પહોંચાડતી વખતે શબ્દોની ચોકસાઈ અને સંદર્ભની સ્પષ્ટતા — બંને equally મહત્વના છે. કારણ કે શિક્ષણનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ સાચી સમજણ ઊભી કરવાનો છે.

કલ્પસૂત્રના જાહેર વાંચન અંગેની મોટી ગેરસમજ

એક બીજી વાત. 

મેં કેટલાક એવા વિદ્વાનો અને ધર્મગુરુઓને સાંભળ્યા છે કે જેઓ પોતાના વક્તવ્યમાં કહે છે કે વલભીપુરમાં લિપિબદ્ધ થયેલા આગમો પૈકી કલ્પસૂત્ર ગ્રંથનું સૌ પ્રથમ જાહેર વાંચન આનંદપુરમાં થયું હતું. એ આનંદપુર હાલના વલભીપુરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે. આ વાત તદ્દન ખોટી છે. 

ઐતિહાસિક સત્ય એ છે કે વલ્લભીપુર તાલુકામાં અણંદપર નામનું ગામ છે અને તે લગભગ ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે. એ હકીકત સાચી પરંતુ કલ્પસૂત્ર ગ્રંથનું સૌ પ્રથમ જાહેર વાંચન પ્રાચીન આનંદપુર એટલે કે હાલના વડનગરમાં થયું હતું. 

એ વખતે વલભીમાં રાજા ધ્રુવસેન પહેલાનું શાસન હતું. વલભીની પ્રાંતિક રાજધાની આનંદપુર હતી. ઈ.સ. ૫૩૯ દરમિયાન રાજા ધ્રુવસેન પહેલાના જીવનમાં એક દુઃખદ ઘટના બની, આ રાજાના યુવરાજ સેનગજનું આણંદપુર (વડનગર)માં આકસ્મિક અવસાન થયું. મહિનાઓ સુધી રાજા પ્રજા શોકમાં ડૂબી રહી. 

રાજા વિદ્વાન હતો તેને વિચાર આવ્યો વડનગરમાં તેમણે જૈનાચાર્ય, ચોથા કાલકાચાર્યને વિનંતી કરી કે ધર્મના શાસ્ત્ર સાંભળાવો. એ વખતે સૌ પ્રથમ વખત કલ્પસૂત્રનું જાહેર વાંચન કરવામાં આવ્યું હતું. 

અજ્ઞાનતા ઇતિહાસ બદલી નાખે છે — સોશિયલ મીડિયા યુગમાં સત્યને બચાવવાની જરૂર

આજના સમયમાં માહિતી મેળવવી ખૂબ સરળ બની ગઈ છે, પરંતુ સાચી માહિતી ઓળખવી પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને ઇતિહાસ જેવા ગંભીર વિષયમાં, અધૂરી જાણકારી અને ઉતાવળમાં કરવામાં આવતા નિવેદનો સમાજમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે. ઇતિહાસ માત્ર વાતો કરવાનો વિષય નથી, પરંતુ તે સંસ્કૃતિની સ્મૃતિ અને સમાજની ઓળખ છે. તેથી ઇતિહાસ અંગે બોલવું એટલે જવાબદારી લેવી.

છેલ્લા થોડા વર્ષોમાં સોશિયલ મીડિયા, યુટ્યૂબ, જાહેર વ્યાખ્યાન અને સેમિનારોમાં ઇતિહાસ વિશે અનેક દાવા કરવામાં આવે છે, પરંતુ દરેક વાત સંશોધન અને પુરાવા પર આધારિત હોય એવું જરૂરી નથી. અડધી માહિતીના આધારે કરાયેલ નિવેદન ઘણીવાર સત્ય કરતાં વધુ ઝડપથી ફેલાય છે, અને પછી એ જ વાત લોકો સાચી માની લે છે. આ સ્થિતિ ચિંતાજનક છે.

લાઈક, વ્યૂ અને લોકપ્રિયતા મેળવવાની દોડમાં ઇતિહાસને sensational બનાવવાની વૃત્તિ વધી રહી છે. કોઈપણ નવી કે ચોંકાવનારી વાત લોકો ઝડપથી સ્વીકારી લે છે, પરંતુ સાચો ઇતિહાસ હંમેશા સંશોધન, પરંપરા અને પ્રમાણિક સ્ત્રોતો પર આધારિત હોય છે. ઇતિહાસનો અભ્યાસ વર્ષો માંગે છે, પરંતુ ખોટી વાત ફેલાવવા માટે થોડો સમય પૂરતો હોય છે.

સમાજના જવાબદાર લોકો, સંસ્થાઓ, વિદ્વાનો અને વક્તાઓ માટે આ સમયે વધુ સાવચેત રહેવાની જરૂર છે. જે વિષયનો પૂરતો અભ્યાસ ન કર્યો હોય તેમાં ઉતાવળમાં નિવેદન કરવું ટાળવું જોઈએ. કારણ કે એક ખોટી વાત હજારો લોકો સુધી પહોંચે છે, અને પછી તેને સુધારવી મુશ્કેલ બની જાય છે.

ખોટો ઇતિહાસ માત્ર એક ભૂલ નથી, તે ભાવિ પેઢી સાથેનો અન્યાય છે. જો આજે ગેરસમજ ફેલાશે, તો આવતી પેઢી પોતાની પરંપરા અને ઇતિહાસ વિશે ખોટી સમજ સાથે મોટી થશે. પછી સત્ય શોધવું વધુ મુશ્કેલ બની જશે.

આજની જરૂરિયાત એ છે કે જાણકારો મૌન ન રહે, અને અજાણ લોકોના નિવેદનોને અંતિમ સત્ય માનવાની ભૂલ ન થાય. ઇતિહાસ વિશે ચર્ચા થાય તો પુરાવા સાથે થાય, સંશોધન સાથે થાય, અને જવાબદારી સાથે થાય.

જો સોશિયલ મીડિયા, વ્યાખ્યાન અને જાહેર મંચો પર આ રીતે ખોટી માહિતી પીરસાતી રહેશે, તો સમાજમાં કન્ફ્યુઝન વધશે અને આવતી પેઢી માટે સાચું-ખોટું ઓળખવું મુશ્કેલ બનશે.

અજ્ઞાનતા ઇતિહાસ બદલી શકે છે,
પરંતુ જાગૃત અને જવાબદાર સમાજ તેને બચાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વલભી વિશે ઇન્ટરનેટ પર ફેલાતી ખોટી તસવીરો અને ગેરમાર્ગે દોરતી માહિતી – સાવધાન રહેવાની જરૂર

પ્રાચીન ભારતના જ્ઞાનના દીવાદાંડી સમાન કેન્દ્રોમાં જ્યારે નાલંદા અને તક્ષશિલાનું નામ લેવાય છે, ત્યારે તેની સાથે જ ગૌરવપૂર્વક વલભી વિદ્યાપીઠનું નામ પણ જોડાયેલું છે....

श्री चंद्रप्रभस्वामी जैन देरासर प्रभास पाटन

दोस्तों, प्रणाम! आज हम बात करेंगे श्री चंद्रप्रभस्वामी जैन देरासर, प्रभास पाटन की; इस तीर्थ के भव्य इतिहास की। श्री चंद्रप्रभासपाटन महातीर्थ: एक प्राचीन...

Taranga Tirth History तारंगा जैन तीर्थ

Taranga Tirth History: तारंगा तीर्थ गुजरात के मेहसाणा जिले में स्थित एक ऐतिहासिक और धार्मिक...

श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की चमत्कारी प्रतिमा और झंड कुआं का ऐतिहासिक महत्व Zand Kuo

श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की अद्भुत कथा श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की प्रतिमा का...

Recent Comments