સત્તા અને સંપતિ જ્યાં હોય ત્યાં તકસાધુઓ ગોઠવાઈ જતાં હોય
દરેક કામયાબ લોકોનું જીવન જોઈને તે બહુ સુખી છે તેમ માનવું યોગ્ય નથી પરંતુ એ અન્વેષણનો વિષય છે. માટે ઊજળું એટલું દૂધ નથી હોતું.
મોટેભાગે કામયાબ લોકોની આસપાસ બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો અનેક પ્રકારના પ્રપંચ રચનારા, પોતાનું હિત સાધનારા લોકો વધુ જોવા મળતા હોય છે. એમના પ્રપંચ આ સફળ વ્યક્તિને ખુદને નથી દેખાતા હોતા. અથવા તો તે એને નજરઅંદાજ (આંખ આડા કાન) કરવા મજબૂર હોય છે. કારણ કે તેમના કાનને સતત ખુશામત સાંભળવાની લત લાગી ગઇ હોય છે. કાનના કાચા હોય છે. પરિણામે પ્રપંચીઓ તેને પોતાના અંગત લાગે છે. પરંતુ તેમની સલાહથી લેવાતો નિર્ણય હિતકર નથી હોતો.
આ વાત એટલે કરવી પડી કે અગાઉ જે ફિલ્મ સ્ટાર સાથે અમારે જમીનનો સોદો નક્કી થઈને રદ થયો હતો તે વાત ફરી પાછી આવી. સત્તા અને સંપતિ જ્યાં હોય ત્યાં તેની આસપાસ કેટલાક તકસાધુઓ પોતાને લાભ થાય તેવુ કરતાં અને સુજાડતા હોય છે.
અગાઉ અમે વચને બંધાયા હતા તેથી ના કહેવાનો પ્રશ્ન જ ન હતો. આ વખતે તે ફિલ્મ સ્ટાર રાજકારણી બની ચૂક્યા હતા. આ દરમિયાન તેમના બે અંગત માણસોને પણ મળવાનું થતું હતું. ફરી ફિલ્મ સ્ટારના બંગલે બેઠક થઈ. અમે તેમને જણાવ્યું કે હવે તો જમીનમાંથી પુષ્કળ પાણી પણ મળ્યું છે અને અમે ધીમે ધીમે જમીન ડેવલપ કરી રહ્યા છીએ. એ વખતે તે હીરોએ કહ્યુ કે,
‘હું જમીન ખરીદીશ પછી પણ તમારે તો મારી સાથે જ આ જમીનના વિકાસમાં સતત રહેવાનું છે.’
આપને એક વાત જણાવી દઉં કે આ ફિલ્મ સ્ટાર જીવનમાં ખૂબ મહેનત અને સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. તેમનો અને તેમનાં મોટા ભાઈનો સ્વભાવ ખૂબ માયાળુ છે. અમને તેમનો આ સરળ સ્વભાવ ખૂબ ગમી ગયો. આ ફિલ્મ સ્ટાર પોતે તેમના વ્યક્તિગત જીવનમાં ખૂબ ધાર્મિક અને સારા માણસ છે. આજે પણ અમે તેમને માત્ર હીરો તરીકે જ નહીં પરંતુ ખૂબ સારા વ્યક્તિ તરીકે યાદ કરીએ છીએ.
કોઈ પણ બાબતમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને બહુ જરૂરી છે પરંતુ નસીબ તારી બલિહારી તો ન્યારી જ છે.
જમીનનો સોદો ફરી વખત થયો અને રદ થયો
ફરી વખતના સોદા માટે અમારા તરફથી એ બેઠકમાં જમીનની કિંમત નવેસરથી વધારીને કહેવામાં આવી. ફિલ્મ સ્ટાર તરફથી તે મંજૂર પણ રાખવામાં આવી. અઠવાડિયામાં દસ્તાવેજ કરીને જમીનનો કબજો સોંપવાનો હતો. બીજા દિવસે સ્ટારના મોટાભાઈ અને અમે સંયુક્ત રીતે વકીલને મળીને પેપર્સ તૈયાર કરાવ્યા હતા. તે પછીના દિવસે રજિસ્ટાર કચેરીમાં એગ્રીમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું.
હવે બન્યું એવું કે આગલા દિવસે નક્કી થયા મુજબ અમે તો પાલઘર ગયા પરંતુ જમીન ખરીદનાર ફિલ્મ સ્ટાર કે તેમના તરફથી બીજું કોઈ ત્યાં ના આવ્યું. અમે આખો દિવસ રાહ જોતાં રહ્યા. તેઓ અમારો ફોન પણ ઉપાડતાં ન હતા. કારણ શું હશે એ નથી ખબર પણ અમે ઘણા દિવસો સુધી રાહ જોઈ છતાં તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો. ફરી વખત જે થાય તે સારા માટે એમ સમજીને અમે આગળ વધ્યા.
ઈશ્વરની મરજી કંઈક જુદું જ નિર્માણ કરાવવાની છે
પાંચ વર્ષ સુધી જમીન વેચવા માટેના પ્રયત્નો વિફળ ગયા પછી એક વાત નક્કી થઈ ગઈ હતી કે આ જમીન અમારા જ ભાગ્યની છે; અને ઈશ્વરની મરજી તેમાં કંઈક જુદું જ નિર્માણ કરાવવાની છે. એ દરમિયાન ઘણી વખત અમને આર્થિક સંકડામણો આવી તેમ છતાં અમે જમીન વેચવાની વાત માંડી વાળી હતી.
મુંબઈ પર કેટલીક કુદરતી અને આતંકી હુમલા જેવી આફતો એ અમને વિચારતા કરી દીધા
એ પછીના દિવસોમાં મુંબઈ પર કેટલીક કુદરતી અને આતંકી હુમલા જેવી આફતો આવી. તારીખ 26 જુલાઈ 2005ના રોજ મુંબઈમાં સતત વર્ષેલા 37.17 inches (944 mm) વરસાદે સમગ્ર શહેરને બેટમાં ફેરવી દીધું હતું. ટ્રેનો બંધ થઈ ગઈ હતી. એ વખતે સાંજે અમે લોઅર પરેલ અમારી ઓફિસેથી એક મિત્રની ક્વોલિસ ગાડીમાં ઘરે જવા નીકળ્યા ત્યારે બાંદ્રાની ખાડીના પુલ ઉપર અમે અટક્યાં. ત્યાંથી આગળ જવાય એમ ન હતું. આ પુલ પર સેંકડો ગાડીઓમાં હજારો લોકો ફસાયા હતા. મુંબઈ ઉપર આભ ફાટ્યું હતું. મુંબઈ આખું જાણે થંભી ગયું હતું.
ટેક્સી ડ્રાયવર થી માંડી કરોડો-અબજોપતિઓ, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દર્દીઓ, સજ્જનો, શાહુકારો અને ગુંડાઓ આ બધા જ એક સાથે ફસાયા હતા. ખાવાનું અને પીવાનું પાણી એકબીજાને માનવતાના ધોરણે થોડું થોડું આપ-લે કરતાં હતા. આમ કરતાં રાત પડી. એક તો મેઘલી રાત, ટ્રાફિક જામ, ચારેકોર અંધારું, મોબાઈલ સેવા બંધ. અફવાઓ એવી આવે કે આપણે જે પુલ ઉપર છીએ તે નબળો પડ્યો છે ગમે ત્યારે તૂટી શકે છે.
એવા વખતે ભગવાનના નામ સિવાય બીજો કોઈ સહારો નહીં. માત્ર એફ.એમ. રેડિયો સાંભળીને ગાડીમાં જેમ તેમ રાત પસાર કરી હતી. લોકોએ કુદરતી હાજત પણ ગાડીઓની આડમાં જ પતાવી. સવારે ઘૂંટણ અને કેડ સમા પાણીમાં અમે બંને ભાઈઓ બાંદ્રાથી બોરીવલી ઘરે ચાલીને પહોંચ્યા હતા. બીજા દિવસે પણ 25.35 ઇંચ (644mm) વરસાદ ખાબક્યો હતો. સેંકડો લોકોના મોત થયા હતા. આ ઘટના એ અમને વિચારતા કરી દીધા.
આ બધું ક્યાં જઈને અટકશે?
મુંબઈ એટલે સાત ટાપુઓના સમૂહની વચ્ચે દરિયો પુરીને ઊભી કરાયેલી જમીન. એ પછી જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ દરિયો પૂરતા ગયા. મુંબઈની ત્રણ બાજુએ દરિયો છે. પ્રતિ વર્ષ વરસાદનું પ્રમાણ વધારે. દિવસે દિવસે વધતો જતો વસ્તી વધારો (લગભગ અઢી કરોડ કરતાં પણ વધારે). ઠેક ઠેકાણે નાની નાની ઇમારતો તોડીને તેની જગ્યાએ બનતા મોટા મોટા 20-30 માળના ટાવરો. ભયંકર ટ્રાફિક ને રોડ-રસ્તા સાંકડા. ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા આ બધું ક્યાં જઈને અટકશે?
વિકિપીડિયા મુજબ મુંબઈ ધરતીકંપની બાબતમાં સક્રિય ક્ષેત્ર પર બેઠેલું છે. એની આસપાસના ભાગોમાં ત્રણ ફોલ્ટ લાઈનો છે. આ વિસ્તારને ત્રીજા ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેનો મતલબ એમ થયો કે રીક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવી શકે છે. આ બધી વાત કોઈને ડરાવવા માટે નથી; કે નકારાત્મક વિચારો શેયર કરવાની નથી, પરંતુ વાસ્તવિકતા પ્રત્યે દુર્લક્ષ ન જ સેવાયને?
વિષયાંતર થઈ રહ્યો છે પણ આ બધી વાતો આ જમીનના વિકાસના કારણો સાથે સબંધિત હોવાથી તેનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે.
અનરાધાર વરસાદની ઘટના પછી બે વર્ષે તારીખ 11જુલાઈ 2007 મંગળવારે સાંજે અમે લોઅર પરેલના મારા યુનિટ પરથી ઘરે જવા રેલ્વે સ્ટેશન તરફ નીકળ્યા એ વખતે ખબર પડી કે હમણાં જ જુદા જુદા સ્ટેશનો પર મુંબઈની લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયા છે. તે દિવસે 7 વિસ્ફોટોમાં 135 થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ ઘટનાના એક વર્ષ પછી પાકિસ્તાની કસાબ સહિત તેના સાગરીત આતંકવાદીઓ દ્વારા તારીખ 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈ ઉપર ફરી એક આતંકી હુમલો થયો. આમ એ દિવસો દરમિયાન મુંબઇનું જીવન વધારે જોખમી બન્યું હતું.
જમીન ડેવલપ કરીને બંગલો સ્કીમની મૂકવાની યોજના બનાવી
આ દરમિયાન મારા ભાઈના સુરતમાં રહેતા સિવિલ એન્જિનિયર ખાસ મિત્ર બટુકભાઈ સાથે વાતચીત થઈ. તેમણે અમને અમારી જમીન ભરણી કરાવી સમથળ કરીને તેના પર બંગલો સ્કીમ મુકવા માટે સંપૂર્ણ રીતે સહકાર આપવાની તૈયારી બતાવી.
જોકે એ પહેલા જ સપ્ટેમ્બર 2008માં અમે બન્ને ભાઈઓએ લોઅર પરેલમાં મારું શાહ એન્ડ નાહર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું યુનિટ સંપૂર્ણ રીતે બંધ કરી મનોરની જમીન ડેવલપ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ અમારી પાસે અનુભવ ન હતો. બટુકભાઈના આવવાથી અમને બળ મળ્યું અને તેમણે નિસ્વાર્થ ભાવે અમને જમીન ડેવલપ કરી આપી.
બટુકભાઈ વાનાણી પોતે સિવિલ એન્જિનિયર અને ખૂબ અનુભવી હોવાથી આવતાની સાથે જ તેમણે જમીનમાં ભરણીનું કામ શરૂ કરાવ્યું. જમીનના ખાડા ટેકરા સરખા કરવા માટે જેસીબી મશીન અને બહારથી માટી લાવવા માટે ટ્રકોની આવન-જાવનથી સાઇટ ધમધમવા લાગી. બટુકભાઈ અને જીવરાજ કાકા અહીં અઠવાડિયું રહેતા; શનિ-રવિ માં સુરત જતા અને ફરી પાછા આવી જતા હતા.
બહારથી આવતી સેંકડો ટ્રક માટી વડે બહુ મોટા ખાડા અને નીચાણવાળો ભાગ પુરાઇ જતા જમીન સમથળ બની. મહિનાઓ સુધી કામ ચાલ્યું. જમીન ફરતે પથ્થરનો પાક્કો કોટ બાંધવામાં આવ્યો. આ બધું કામ બટુકભાઈની આવડત વગર અમારાથી શક્ય ન હતું. કામ પૂરું થતાં સુધીમાં તો જમીન નવી, સજાવેલી દુલ્હન જેવી દેખાવા લાગી હતી. આ જમીન મોકાની હોવાથી પહેલેથી જ લોકોની નજરે ચડતી હતી, પરંતુ હવે તો ઉડીને આંખે વળગતી હતી.
દરેક ભૂમિનો ચોક્કસ પ્રભાવ હોય છે તે વાત અમને અનુભવે સમજાય હતી. બટુકભાઈની સાથે ફાર્મહાઉસ પર મારો ભાઈ પણ રાતદિવસ રહેતો હતો. અગાઉ કોઈ પણ જાતની સગવડ ન હતી ત્યારે પણ એ મહિનાઓ સુધી ત્યાં એકલો રહેતો હતો.
ભાઈના ત્યાં વસવાટ દરમિયાન આસપાસ રહેતા આદિવાસી પડોશીઓ વાતચીતમાં એવું કહેતા હતા કે,
આજથી વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં માત્ર જંગલ હતું , હોટલો કે અન્ય કોઇ સુવિધા ન હતી એવા વખતે મુંબઈથી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફ પગપાળા વિહાર કરીને જતા-આવતા જૈન સાધુ-સાધ્વીજીઓ તેમજ પદયાત્રા કરીને જતાં યાત્રિકો, સંઘો વગેરે આ જમીન ઉપર રાત્રી વિશ્રામ કરતા હતા.
અંતરની ઝંખના : અમારી જમીન નજીક કોઈ જૈન તીર્થ બને તો સારું
અમારી પણ અંતરની ઝંખના હતી કે આ રોડ પર મનોર અને વિરારની વચ્ચે કોઈ જૈન તીર્થ બને તો સારું.
Shri Dharmadham Nageshwar Parshwanath Trth નિર્માણ થયા પહેલાં
એ વખતે મુંબઈથી અમારી જગ્યા પર આવતા રસ્તામાં વિરાર ફાંટા પર પહેલું મહાવીર ધામ આવે ત્યાંથી આગળ વિરાર ટોલનાકા નજીક એક બંગલો સ્કીમની બહારના ભાગે પણ દેરાસર બનતું હતું. એથી આગળ જતાં રસ્તામાં વાગડ જૈન ગુરુકુળ બની હતી. એ પછી એક મોટી પાંજરાપોળ અને ત્યારબાદ આપણી જમીનથી સાત કિલોમીટર પહેલાં સાતિવલીમાં પ્રતાપસુરી વિહારધામ અને આપણી જમીનનથી સાત કિલોમીટર પછી અમદાવાદ તરફ ચિલ્લાર ફાટા પર નાનકડા દેરાસર સહિત એક વિહારધામ હતું. ત્યાં ધર્મ ધામ બનવાનું હતું. એ વખતે ત્યાં શિખરબંધી દેરાસરનું કામ બહુ ધીમે ધીમે ચાલતું હતું.
જ્યારે જ્યારે અમે પરિવાર સહિત ત્યાં દર્શને જતાં હતા ત્યારે એવું ઇચ્છતા કે અહીંયા ભવ્ય દેરાસરનું ઝડપથી નિર્માણ થાય તો આપણી જમીનની નજીક હોવાથી આપણને લાભ મળે.
આ દરમિયાનમાં અમારી જમીનથી તદ્દન નજીક માત્ર અડધા કિલોમીટરના અંતરે અનમ હોટલ તરફ લગભગ ૩૫ એકર વિશાળ જમીન પર જૈન ગુરુકુળ, ગૌશાળા સહિત શ્રી વિજયપતાકા જૈન તીર્થનું નિર્માણ થઇ રહ્યું છે તેવા શુભ સમાચાર જાણવા મળ્યા. જોતજોતામાં ત્યાં અંજનશલાકાનો દિવસ પણ આવી ગયો. એ અગાઉ ત્યાં ગુરુકુળ ચાલુ થઇ ગઈ હતી ત્યારે અમે અનેક વખત તે જોઈ આવ્યા હતા.
તે દિવસે અમે વહેલી સવારથી ત્યાં પહોંચી ગયા. ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ હતો. આ જોઈને અપાર આનદ હતો. તે દિવસે ગુરુકુળના આદિવાસી બાળકો દ્વારા સ્નાત્ર પૂજા ભણાવાતી જોઈને તો અમે દંગ રહી ગયા. અહીં એશિયાની સૌથી મોટા ૩૫ ટન વજનના પંચધાતુના પ્રતિમાજી બિરાજમાન થયા. જંગલમાં મંગલ થયું. ઘણા મહિનાઓ સુધી દેરાસરનું કામ ચાલુ હતું પરંતુ કમનસીબે કોઈ કારણસર એ કામ અટકી ગયું. અહીંના ભવ્ય પ્રતિમાજી રાજસ્થાનમાં ક્યાંક લઈ જવાયા. આ વાતનું અમને ખુબ દુઃખ થયું.
ક્રમશઃ