Friday, November 22, 2024
Home श्री धर्मधाम जैन तीर्थ શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિનો ઇતિહાસ (ભાગ 1)

શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિનો ઇતિહાસ (ભાગ 1)

ભારત દેશના પ્રાચીન જૈન મંદિરો જોવા માટે વિશ્વભરમાંથી લોકો અહીંયા ખેંચાઈને આવે છે.સેંકડો વર્ષ પહેલા બનેલા આ મંદિરોની વાસ્તુકલા જોઈને દેશ-વિદેશના લોકો, ભલભલા આર્કિટેક્ટ પણ ચકિત થઈ જાય છે. આ જૈન ધર્મના સિદ્ધાંતોનું અને શાસ્ત્રોની ગહનતાનું પરિણામ છે. આપણે અહીં શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ Shri Dharma Dham Nageshwar Parshwanath જૈન તીર્થની જમીનના ઇતિહાસ વિષે વાત કરવાની છે એ શરુ કરતાં પહેલાં… 

Ranakpur Jain Temple

તમે કલ્પના કરો કે, જે જમાનામાં આજની જેમ યંત્રો ન હતા એ જમાનામાં સેંકડો, હજારો વર્ષ સુધી મૂળ સ્થિતિમાં ટકી રહે તેવા પાષાણનાં ભવ્ય અને કલાત્મક મંદિરો બાંધવા એ જૈન ધર્મની મહાનતા નહીં તો બીજું શું છે?

આ ભવ્ય મંદિરોમાં ભગવાનની સન્મુખ જતાં જ તન મનને શાતા મળે છે. હૃદયમાં ભક્તિભાવનું ઝરણું વહેવા લાગે છે. માનવી બહારની દુનિયા અને સંતાપો ભૂલીને પ્રભુમય બની જાય છે.

શૂન્યમાંથી સર્જન, જંગલમાં મંગલ

દેવ મંદિરોનો આ પ્રભાવ છે. બીજું એ કે, દરેક ધાર્મિક સ્થળો, મંદિરો અને જૈન મંદિરોના નિર્માણ પાછળ એક રસપ્રદ અને સત્ય કથા છુપાયેલી હોય છે. વર્તમાન સમયમાં પણ અનેક ભૂમિ ઉપર જિનાલયનું નિર્માણ થાય છે તે દરેકની પાછળ પણ એક કથા હોય છે. એવીજ એક જૈન તીર્થની કથા ‘શૂન્યમાંથી સર્જન’ અને ‘જંગલમાં મંગલ’ ની અહીં વાત કરવાની છે.

 Shri Dharma Dham Nageshwar Parshwanath શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના નિર્માણ પહેલા તેની જમીન  વિશેની વાત અહીંયા ક્રમશઃ કરવાની છે. 

બહુ ઓછા લોકો હોય છે જેમને ભૂમિના પુણ્ય પ્રતાપથી લઈને પાયા સુધી, અને પાયા થી લઈને શિખર સુધી જીનાલય નિર્માણકાર્યના સાક્ષી અને સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય. વડીલો અને પૂર્વજોના પુણ્યપ્રતાપે અમને પણ એવો એક લાભ પ્રાપ્ત થયો જેથી જીવન ધન્ય બન્યું. 

અમારા દ્વારે ભગવાન પધાર્યા

પરમાત્મા કોઈ શુભ કાર્યમાં કેવી રીતે આપણને નિમિત્ત બનાવે છે અને આપણા શુદ્ધ વિચાર, હૃદયના ઉત્તમ ભાવને પરિપૂર્ણ કરે છે તે આ ક્રમબદ્ધ ઘટનાક્રમ દ્વારા આપને જાણવા મળશે. અમારા આ અનુભવોને બહુ મોટો ચમત્કાર અવશ્ય કરી શકાય. કોઈ એક ધન્ય ઘડીએ કરેલા અમારા એક નાનકડા સંકલ્પથી અમારા દ્વારે ભગવાન પધાર્યા અને માગ્યું તેના કરતા અનેક ગણું મળ્યું. 

1995 થી 2009 સુધીના 14 વર્ષમાં ઘણા ઉતાર-ચડાવ પછી આખરે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેવ વિમાન જેવા ભવ્ય મંદિરનું નિર્માણ અમારી જમીન પર શરૂ થયું.

DharmaDham Nageshvar Parshvanath, Durves

આ વાત છે Shri Dharma Dham Nageshwar Parshwanath શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ મનોરની જમીનની. આ જમીન અમે નવો બિઝનેસ ડેવલપ કરવા માટે ૧૯૯૩માં ખરીદી હતી.

૨૬ વર્ષ પછી આજે જ્યારે એ જમીન વિશેની વાતો વિચારીએ છીએ ત્યારે એવું પ્રતીત થાય છે કે માણસનું અને જમીનનું નસીબ કંઈક એક સરખું કામ કરે છે.

માણસનું અને જમીનનું નસીબ

માણસનું નસીબ બદલાય ત્યારે ઘણી વખત તમે જોયું હશે કે રાજા રંક (ભિખારી) બની જાય અને રંક રાજા બની જાય. કરોડોપતિ રસ્તા પર આવી જાય અને સામાન્ય માણસ કરોડોપતિ બની જાય. પરંતુ  શું જમીનની બાબતમાં પણ એવું બની શકે?

જી હા, તમે જુઓ, ઘણી વખત કોઈક જગ્યાએ હજારો એકર જમીન વર્ષોથી સાવ બંજર પડી હોય છે, પરંતુ ત્યાં અચાનક સરકારની કોઈ યોજના અમલમાં મુકાય અને મોટા નગરનું ટાઉનશિપ કે ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કાર્ય શરૂ થઈ જાય છે.

ક્યાંક વળી કોઈ અંદરના ભાગમાં જમીન હોય અને ત્યાંથી મોટો માર્ગ નીકળે એટલે એ જમીન સોનું બની જાય છે. એવીજ રીતે કોઈ જમીનની આસપાસ પાણી માટેનો કોઈ સ્ત્રોત કે સાધન ન હોય ત્યાં કેનાલ નીકળે અથવા તો કૂવામાં બોરમા પાણી મળે તો હરિયાળી લહેરાય છે.

દાખલા તરીકે કચ્છની ધરતી પર નર્મદાના નીર પહોંચ્યા અને ત્યાં બંજર જમીન પર ફળફળાદીની વાડીઓ અને બગીચા બની ગયા છે. આવા તો અનેક દાખલાઓ આપી શકાય એટલે જ આપ વિચાર કરજો કે, માણસના અને જમીનના નસીબને ચોક્કસ સરખાવી શકાય.

બીજી એક વાત કરું તો, ઘણી વખત આપણને દરેકને એવો અનુભવ થયો જ હશે કે, કોઈ જગ્યાએ, કોઈ જમીન પર આપણે જઈએ ત્યારે ત્યાંથી ખસવાનું મન ન થાય. મન હળવું થાય. શાંતિ મળે. એથી તદ્દન વિપરીત આપણે કોઇ એવી જગ્યાએ જઈએ ત્યારે કોઈ દેખિતા કારણ વગર આપણને મનમાં ઉચાટ થાય, અશાંતિ લાગે, ઉદ્વેગ થાય. આવું કેમ થતું હશે? એ જ તો ભૂમિનો પ્રતાપ કહેવાય. 

બજારભાવ કરતાં બમણા ભાવે જમીન ખરીદી 

 Land development @ Durves, DharmaDham Nageshvar Parshvanath, Durves
1995 Durves land

વર્ષ 1994માં એક દિવસ મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનોર પાસે અમે એક નવા બિઝનેસ માટે જ્યારે જમીન જોવા ગયા ત્યારે જમીન પર પગ મૂકતાં જ મારા પપ્પાના મોં માંથી એવા શબ્દો નીકળ્યા હતા કે “આ જમીન ઉકળતી છે.” એ પછી થોડાક વખતમાં અનેક આંટીઘૂટીઓ પસાર કરીને પણ અમે તે જમીન બજારભાવ કરતાં બમણા ભાવે ખરીદી લીધી હતી. 

અમે જમીન ખરીદ્યા પછી તેમાં સૌ પ્રથમ સુરક્ષા અને સુંદરતા વધારવા માટેનું કાર્ય શરૂ કર્યું. એ પછી તો જેટલા લોકો આ જમીન પાસેથી પસાર થતાં હતા તે બધા જમીનના ભરપેટ વખાણ કરતા હતા. લોકો અમને કહેતા કે “આ ભૂમિ જોર કરે છે.”  “તમે ભાગ્યશાળી છો.” ત્યારે મનમાં હરખ થતો હતો. 

ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના નિર્માણ પહેલા

બન્યું એવું કે જમીન ખરીદી કર્યા પછી અનેક વિકલ્પો અને વિટંબણાઓ માંથી પસાર થયા બાદ 14 વર્ષ પછી આખરે આ ભૂમિ ઉપર સુંદર મજાનું દેવ વિમાન તુલ્ય જિનાલયનું નિર્માણ થયું. Shri Dharma Dham Nageshwar Parshwanath શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થના નિર્માણ પહેલા આ જમીનને લઈને તેના ઉપર અમે કેવા કેવા સપના જોયા, કાર્યો કર્યા અને કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા એ વિશેની વાત અહીંયા ચાર પાંચ ભાગમાં પૂર્ણ કરવાની છે. અમારા અનુભવોની આ સત્ય કથા દ્વારા આપને બધું જાણવાનું મળશે એવી આશા રાખું છું.

કોઈપણ કાર્યની સિદ્ધિ માટે ત્રણ ‘પ’

આપણે જાણીએ છીએ કે, કોઈપણ કાર્યની સિદ્ધિ માટે ત્રણ ‘પ’ એટલે કે પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૈસો ખૂબ જરૂરી હોય છે.

અગાઉ મેં જણાવ્યું તેમ મારાં પપ્પા અને મોટાભાઈને આ જમીન ખૂબ ગમી હતી પરંતુ પપ્પાએ તે લેતા પહેલા જ અમને કહ્યું હતું કે ‘મહેનત કરવી પડશે, તૈયારી હોય તો ખુશીથી લો’.

મુંબઈ આવ્યા પહેલા વતનમાં મારાં પપ્પા જમીન લે-વેચનું અને દલાલીનું કામ કરતાં જેથી તેમને અનુભવ ખરો પરંતુ અમે નાના હતા એટલે ગામડે બાપ-દાદાની નાની જમીન છતાં એ બાબતનો બીજો કોઈ અનુભવ અમને ન હતો. પરંતુ મારાં ભાઈએ કહ્યું કે હું મહેનત કરીશ એટલે મેં હિંમત કરીને પૈસાની વ્યવસ્થા કરી. આમ આ રીતે અમે આગળ વધ્યાં.

આપણે જે જમીનની વાત કરીએ છીએ તે જમીન હેર ઓઇલ બનાવતા એક જાણીતા દક્ષિણ ભારતીય ઉદ્યોગપતિની હતી. આ ઉદ્યોગપતિ સાથેની મુલાકાતમાં ખબર પડી કે તેઓ ગુજરાતીને પણ ટક્કર મારે એવી શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરે છે. તેમણે અમને કહ્યું :

મારી જમીન મોકાની છે તે હું જાણું છું ,એટલે જ સસ્તામાં નથી. મારે ત્યાં ફેકટરી બનાવવાની હતી પરતું વેચવાનું કારણ એ છે કે હું મારો કારોબાર મુંબઇથી દક્ષિણ ભારતમાં, મારા વતનમાં ફેરવી રહ્યો છું’.

આ દક્ષિણ ભારતીય ઉદ્યોગપતિની બાંદ્રા સ્થિત ઓફિસમાં જમીનના સોદા માટેની અમારી મિટિંગ દરમિયાન તેમણે અમને બીજી એક બહુ મોટી વાત એ કરી કે,

‘દીકરી, ગાય અને જમીન સારા માણસના હાથમાં જ સોંપાય; મને તમને મળીને આનંદ થયો છે.

આમ પરસ્પર પ્રેમભાવ પૂર્વક આ જમીનનો સોદો નક્કી થયો હતો.

ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિરનું મનમાં કુદરતી બીજ રોપાયું 

Jain Temple

આ જમીનનો સોદો કરાવવામાં પાલઘરના પ્રતિષ્ઠિત મારવાડી જૈન શાંતિલાલ શાહની મુખ્ય ભૂમિકા રહી હતી. આ દરમિયાન અમે અવારનવાર શાંતિકાકાને ઘરે જતાં ત્યારે જોયું કે, તેમના નિવાસસ્થાને કંપાઉન્ડમાં ઘર દેરાસર પણ હતું. શાંતિલાલજીના નિવાસસ્થાન પરિસરમાં આ સુંદર મજાનું ઘર દેરાસર જોઈને અમે બન્ને ભાઈઓએ પણ અમારી આ નવી જમીન પર એક નાનકડું જિનાલય બનાવવાનો નિર્ણય કર્યો. 

અલબત્ત, અમે જે ઉદ્યોગપતિ પાસેથી જમીન ખરીદી હતી તેમની પાસે એક વિશાળ ફાર્મ હાઉસ સહિત બીજી ઘણી બધી પ્રોપર્ટી વેચાવ હતી. તેમણે અમને અમારો ફાયદો બતાવીને તે તૈયાર પ્રોપર્ટી લેવા આગ્રહ પણ કર્યો, પરંતુ મારા ભાઈએ ‘કેટલ ફાર્મ’ સાથે ‘રિસોર્ટ’ બનાવવાની યોજના બનાવી હતી, માટે હાઇવે પર આવેલી આ જમીન જ તેને ગમી હતી. આમ જમીન ખરીદી કર્યા પછી પહેલું કામ તેમાં ઝાડ રોપવાનું શરૂ કર્યું.

મુંબઈ-અમદાવાદ હાઈવે માત્ર સિંગલ રોડ હતો

એ વખતે મુંબઈ-અમદાવાદ હાઈવે માત્ર સિંગલ રોડ હતો. દેશમાં સૌથી વધારે ટ્રાફિક ધરાવતા આ નેશનલ હાઈવે નંબર 8 પર નાનામોટા વાહનો સામસામે જ અવરજવર કરતાં હતા. આમ સાવ સાંકડા આ હાઇવે ઉપર ઓવરટેક કરવા જતાં છાશવારે વાહન અકસ્માતના બનાવો બનતા હતા.

આવા સમયમાં મારો ભાઈ ભાયંદરથી વસઈ સુધી ટ્રેનમાં અને ત્યાંથી હાઇવે સુધી રિક્ષામાં અને એ પછી ટ્રક કે ટેમ્પો દ્વારા મનોર આવ-જા કરતો હતો. ઘણી વખત તો અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતો અને અમે રસ્તામાં જ ફસાઈ જતાં હતાં.

ફાર્મ હાઉસ
Rented a house in front of the land

અને હા, એ વખતે મોબાઈલ પણ ન હતા. STD PCO માટે મનોરથી 30 કિલોમીટર દૂર છેક વિરાર ફાંટા જવું પડતું હતું. જોકે એ પછી તો અમે જમીનની સામે એક મકાન ભાડે રાખીને ભાઈએ વધારે ત્યાં રોકાઈને જ કામ ચાલુ રાખ્યું હતું.

આ પ્રદેશમાં મોટાભાગે આદિવાસી અને પાટીલ સમાજના લોકોની વસતી છે. દુર્વેસ ગામના લોકો પ્રમાણમાં શિક્ષિત છે. લગભગ દરેક ઘરમાંથી બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

ભાવનગર જિલ્લાના કુંભાર લોકો સાથે પરિચય : જાણે પરદેશમાં હમવતન મળ્યા

Bricks Making

દુર્વેસ ગામની આજુબાજુમાં કાઠિયાવાડી પ્રજાપતિ કુંભારોના ઈંટના ભઠ્ઠા આવેલા છે. આમ તો ત્યાં આપણું કોઈ નહીં, પરંતુ ધીમે ધીમે ભાવનગર જિલ્લાના કુંભારો ભાઈના પરિચયમાં આવ્યા અને પરદેશમાં જાણે હમવતન મળ્યા હોય તેવા સબંધો જામ્યા.

એ સિવાય નજીકમાં જ કચ્છી જૈન ભાઈની અનમ હોટલ અને મહાલક્ષ્મી પેટ્રોલપંપ છે. ત્યાં જૈન સાધુ સાધ્વીજી માટે તેમણે વિહારધામની સગવડ પણ રાખી હતી. ફુરસદે ભાઈ અનમ હોટલમાં બેસવા જતો હોવાથી સૌને હળવા મળવાનું થતું તેમજ સાથસહકાર પણ મળતો હતો.

ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ જમીનની ચતુઃસીમા 

Vaitarana River, DharmaDham Nageshvar Parshvanath, Durves
Vaitarana River : 400 meters from our site

દુર્વેસ ગામે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવેને અડીને આવેલી Shri Dharma Dham Nageshwar Parshwanath જૈન તીર્થની આ જમીનની ઉત્તરમાં રોડ તરફ આગળનો ભાગ 300 ફૂટ પહોળો છે.

દક્ષિણ દિશામાં એટલે કે પાછળના ભાગે દૂર ત્રણ શિખરો ધરાવતા પહાડો નજરે પડે છે. પૂર્વ દિશામાં આશરે 500 મીટર દૂર જ બારેમાસ ખળખળ વહેતી વૈતરણા નદી આવેલી છે. અને પશ્ચિમ દિશા તરફ એક ખેતર છોડીને ગામમાં જવાનો રસ્તો છે.

વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ પ્રકારની જમીન શુભ માનવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ આ જગ્યાની આજુબાજુનો પ્રદેશ ખૂબ રળિયામણો છે. એટલે જ અહીંથી માત્ર 10 મિનિટના અંતરે નદી કાંઠે મુંબઇનો જાણીતો અને કદાચ પહેલો રિસોર્ટ આવેલો છે.

સાંઈબાબાએ બોલાવ્યા 

SAIBABA
સાઈબાબા : તસવીર – નીલેશ શાહ

મને લાગ્યું કે, જાણે બાબાએ જ અમને બોલાવ્યા છે. બાબાના દર્શન કરતાં મારી આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યા

હવે વાત કરીએ અમારા રિસોર્ટ પ્રોજેક્ટની. આ માટે અમારી પાસે કોઇ ચોક્કસ યોજના ન હતી; કે નહોતો કોઇ અનુભવ. એટલે જ અમે નક્કી કર્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ રિસોર્ટમાં જોવા જાણવા માટે ફરવું. આ માટે શાંતિકાકા તથા અમારા એક ભાગીદાર સાથે ચર્ચા કરીને શરૂઆતમાં મહારાષ્ટ્રમાં પૂના તરફના વિસ્તારમાં જવાનું નક્કી કર્યું.

પાલઘરથી શાંતિકાકાએ પોતાની રીતે પ્રોગ્રામ નક્કી કરી એક વાહન ભાડે કર્યું હતું. જેમાં અમારા પપ્પા તથા શાંતિકાકા અને આર્કિટેક્ટ તલવલકર સહિત અમે કુલ છ વ્યક્તિ મનોરથી રવાના થયા. આ વાત અહીં એટલા માટે કરવાની કે અમારું પહેલું મુકામ અને એક હોટેલમાં રાતવાસો કર્યો તે ગામ શિરડી હતું.

અગાઉ અમે ક્યારેય શિરડી ગયા ન હતાં. અમને એમ હતું કે અહીં કોઇ રિસોર્ટ જોવા આવ્યા હશું પરંતુ બીજા દિવસે સવારે શાંતિકાકા અમને સાંઈબાબાના દર્શન કરવા લઈ ગયા. બાબાની સન્મુખ જતાં જ મારા ભાઈને કંઈક એવો અનુભવ અને ભાસ થયો કે જાણે બાબાએ જ અમને બોલાવ્યા હતા. દર્શન કરતા એની આંખોમાં આંસુ આવી ગયા. મનોમન બાબા સાથે સંવાદ થયો. જોકે એ પહેલા તેને સાંઈબાબામાં શ્રદ્ધા ન હતી. અલબત્ત, શાંતિકાકાને બાબા પર અપાર શ્રદ્ધા હતી.

રિસોર્ટ નિર્માણની વાત ત્યાં પડતી મૂકી

રિસોર્ટ નિર્માણ કરવા માટે બહુ મોટી મૂડી અને એક ટીમ હોવી જોઈએ અમારી પાસે બંને માંથી કશું ન હતું 

શિરડીથી નીકળી મહારાષ્ટ્રના કેટલાક રિસોર્ટમાં અને ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફરી આવ્યા બાદ મારા ભાઈએ વિલેપારલેની ખૂબ જાણીતી પસ્તી તથા જુના મેગેઝિન, પુસ્તકોની દુકાન માંથી ‘INSIDE OUTSIDE’ મેગેઝિનના જૂનાં અંકો ખરીદવાનું અને તેમાંથી આઈડિયા લેવાનું શરૂ કર્યું.

એ દરમિયાન તે શાંતિલાલજી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએ હોટલ, રિસોર્ટ જોવા માટે પણ ઘણા દિવસો ફરી આવ્યા. છેવટે જયપુરમાં આવેલ ‘ચોખી ઢાણી’ જેવો વિલેજ રિસોર્ટ બનાવવો એવું નક્કી કર્યું. પરંતુ નસીબમાં કઈક જુદું જ લખાયું હશે તેથી એ પછીના દિવસોમાં ઘણી કસરતોના અંતે એવું સમજાયું કે આટલી મોટી જમીન ડેવલપ કરવી કે તેના પર પ્રોજેક્ટ કરવો એ કંઈ રમત વાત નથી. એના માટે બહુ મોટું ફંડ જોઈએ અને મોટી ટીમ પણ જોઈએ. આથી વાત ત્યાં પડતી મૂકી.

ક્રમશઃ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

क्या हम अपनी ज्ञान धरोहर को बचा पाएंगे?

हस्तलिपि Manuscript विषय पर हम शायद अधिक जानकारी नहीं रखते और न ही हमारी इसमें कोई विशेष रुचि रही है। मगर जिस...

भाषा और लिपि: व्युत्पत्ति, विकास और सांस्कृतिक प्रभाव

मानव सभ्यता के विकास में संचार माध्यम का एक महत्वपूर्ण योगदान रहा है। मानव ने संवाद की आवश्यकता को पूरा करने के...

Brahmi Lipi ब्राह्मी लिपि का उद्भव और विकास

भारत की ऐतिहासिक धरोहरों में ब्राह्मी लिपि एक अनमोल रत्न के रूप में जानी जाती है। यह लिपि भारतीय सभ्यता के विकास...

Recent Comments