Friday, November 22, 2024
Home श्री धर्मधाम जैन तीर्थ શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થભૂમિનો ઇતિહાસ (ભાગ 3)

શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થભૂમિનો ઇતિહાસ (ભાગ 3)

શ્રી ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ3 માં આપણે જાણીશું કે આ જમીનમાં પાણી કેવી રીતે આવ્યું? અને પાણી આવ્યા બાદ, બંજર કહેવાતી આ જમીન અનેક પ્રકારના તથા વિવિધ ઋતુના ફળ-ફૂલોથી નંદનવન કેવી રીતે બની.

Related: શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થભૂમિનો ઇતિહાસ (ભાગ 2)

અગાઉ જણાવ્યુ હતું એ પ્રમાણે અમે ભૂસ્તરશાસ્ત્રી દ્વારા વૈજ્ઞાનિક ઢબે જમીનમાં પાણી શોધવા માટે પોઈન્ટ તો મરાવ્યા હતા. અને તેમણે નિશાની કરેલી જગ્યાએથી 250 ફૂટે પાણી મળશે તેવું કહ્યુ હતું. તેથી થોડા દિવસ પછી અમે બોરિંગ માટે ગાડી મંગાવીને બોરવેલ મારવાની કામગીરી આરંભી.

બોરવેલનું કામ વહેલી સવારથી શરૂ થઈ જવાનું હતું એટલે તે કામગીરી ઉપર દેખરેખ રાખવાની જવાબદારી બાજુમાં રહેતા પપ્પુને સોંપવામાં આવી હતી, અને અમે પણ મુંબઈથી દુર્વેસ જવા નીકળ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે 100 ફૂટે બોરવેલ ખોદાતો હતો પરંતુ પાણી ને બદલે પથ્થરની સૂકી ભૂકી જ નીકળતી હતી. મનમાં નિરાશા વ્યાપી. પૈસા પાણીમાં જતાં દેખાતા હતા. આમ છતાં ધીરજ રાખ્યા વગર છૂટકો ન હતો.

ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ 3 : જમીન માંથી પાણીનો ફુવારો વછૂટ્યો

300 ફૂટ ઊંડે સુધી બોર કરાવવો એવું અમે નક્કી જ કર્યું હતું. બોર કરવાના પાના એક પછી એક ચડતા જતા હતા…એવામાં અચાનક મશીનનો કર્કશ અવાજ બદલાયો અને નરમ અવાજ સાંભળવા મળ્યો. ગાડીના ઓપરેટરે અમારી તરફ જોઈને ખુશીનો સંકેત કર્યો. અને આ શું? જોતજોતામાં તો જમીન માંથી પાણીનો ફુવારો વછૂટ્યો. મશીન આપોઆપ બંધ પડી ગયું. જમીન પર જ્યાં સૂકી માટીનો ઢગ પથરાયો હતો ત્યાં હવે પાણીનો રેલો હાલ્યો… આમ આ રીતે અમારી જમીન પાણી વગરની છે તેવું મેણું ટળ્યું અને નવી આશા બંધાણી.

પાણી આવ્યું એટલે અમે બોરવેલ પર સબમર્સીબલ પંપ બેસાડી ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર કર્યો. ઇલેક્ટ્રિકનું થ્રી ફેજ કનેક્શન લીધું. અમારા માણસ રસીદભાઈએ ઈલેક્ટ્રીક મીટર માટે એક નાનકડી રૂમ ઉતારવાની સલાહ આપી.

જોકે ઘણા સમયથી મારા ભાઈની ઈચ્છા હતી જ કે જ્યાં ‘રંગીલીઢાણી’ ઢાબો હતો ત્યાં તેના તૂટેલા સ્ટ્રક્ચર ઉપર એક નાનકડું ઘર બનાવીએ. રસીદભાઈનું મારા ભાઈ સાથે ટ્યુનિંગ બરાબર જામેલું હતું એટલે ભાઈના વિચારો પ્રમાણે રસીદ ભાઈએ અમને પૂછીને મીટર રૂમની બાજુમાં સંડાસ બાથરૂમ સાથે બે રૂમ પણ ઉતાર્યા.

 ફાર્મ હાઉસ તૈયાર

ફાર્મ હાઉસ

હવે અમારું ફાર્મ હાઉસ તૈયાર હતું. ફાર્મહાઉસ બનતું હતું ત્યારે ક્યારેક હું સાઈટ ઉપર જતો. એ વખતે રસિદભાઈ અને મારો ભાઈ જૂના દિવસોને યાદ કરીને ઘણી વાતો કરતા. એમાંનો એક પ્રસંગ મને યાદ રહી ગયો છે.

જમીન ખરીદ્યા બાદ તાર ફેન્સિંગનું કામ પૂરું થયું એ દિવસોની વાત છે. ચોમાસું બરાબર જામ્યું હતું. આ વિસ્તારમાં આમેય વરસાદ ખૂબ પડે. રોજ ઘરેથી એટલે કે ભાયંદરથી જગ્યા પર આવવું જવું શક્ય ન હતું એટલે અમે જમીનની બિલકુલ સામે રોડ વટીને એક મકાન ભાડે રાખ્યું હતું. પરંતુ ચોમાસાના દિવસોમાં રોજ રાત્રે રોડ ક્રોસ કરીને ત્યાં એકલા સુવા માટે જવું નહી એવી અમારા માણસોએ ભાઈને સલાહ આપી અને બીજી વ્યવસ્થા પણ કરી.

farm

નદી કોતરનો નિર્જન વિસ્તાર, મેઘલી રાત, ઘોર અંધારું ને અવાવરૂ મકાન

રસીદભાઈની ઝુંપડીથી લગભગ 60 મીટરના અંતરે નદી તરફ ઢાળમાં નીચે એક અવાવરૂ મકાન હતું. આ મકાનની ચાવી વીજુ પાસે રહેતી હતી. એક દિવસ વીજુ અને રસીદભાઈએ તે રૂમ ખોલીને સાફ-સફાઈ કરી અને ત્યાં એક ખાટલો લાવીને મૂક્યો.

એ દિવસે સાંજે વરસાદ શરૂ થયો હતો. રાત થતા સુધીમાં ધીમે ધીમે વરસાદ વધતો ગયો રશીદભાઈ, વીજુ અને મારો ભાઈ રસીદભાઈની ઝૂંપડી પર મોડે સુધી વાતો કરતા બેઠા હતા. રાત્રે દસ વાગે રસીદભાઈ અને વીજુ ટોર્ચ લઈને મારા ભાઈને તે મકાનમાં સુવા માટે મૂકવા ગયા.

એ મકાનમાં મારા ભાઈને સૂવાનો તે પહેલો દિવસ હતો. જંગલ વિસ્તારમાં અજાણી ઓરડીમાં રાત્રે એકલું રહેવાનું હતું. એ દિવસોમાં ત્યાં લાઈટની કોઈ વ્યવસ્થા ન હતી. મકાનમાં એક નાનકડી બારી હતી જે હાઇવે તરફ ખૂલતી હતી. રસીદભાઈએ વાટ નાખેલી કાચની એક શીશીમાં કેરોસીન ભરીને દીવો પ્રગટાવ્યો, અને વરસાદની વાછટ ના આવે તે માટે અધખુલ્લી રાખેલી બારી પર તેમણે તે દીવો મુક્યો. થોડીવાર વાતો કરી પાણીનો એક લોટો અને ગ્લાસ મુકીને તે બંને જતા રહ્યા.

આખું મોઢું મેશ થી કાળું થઈ ગયું

નદી કોતરનો નિર્જન વિસ્તાર, મેઘલી રાત, ઘોર અંધારું, અવાવરૂ મકાન એમાં એક ટબકીયાના આછા અજવાળે થોડીવાર વિચારો કરતો ખાટલામાં મારો ભાઈ સૂઈ ગયો. સવારે રસીદભાઈ લીમડાનું દાતણ લઈને આવ્યા. આવતાની સાથે જ મારા ભાઈના મોં સામે જોઈને રસીદભાઈ ખૂબ હસવા લાગ્યા, ને બોલ્યા : ‘યે ક્યા હુઆ…? રુકો રુકો મેં બીજુ કો બુલાતા હું’.

થોડીવારે તે વીજુ ને બોલાવી આવ્યા. વીજુ પણ મારા ભાઈના મોં સામું જોઈને હસવા લાગ્યો. રસિદભાઈ ઘરેથી અરીસો પણ લઈને આવ્યા હતા. અરીસો તેમણે ભાઈને આપ્યો. ભાઈએ અરીસામાં પોતાનું મોઢું જોયું. આખું મોઢું મેશ થી કાળું થઈ ગયું હતું.

બંધિયાર મકાનમાં બારી માંથી આવતા થોડા પવનથી ઉડીને દિવાનો મેલ મારા ભાઈના મોં પર અને શ્વાસમાં ગયો હતો. નાકમાંથી પણ કાળો મેલ નીકળતો હતો. સાબુ ઘસીને મોં ધોયા પછી વીજુ ઘરેથી ચા લઇને આવ્યો હતો તે ભાઈએ પીધી. શૌચાલયની વ્યવસ્થા હતી નહીં એટલે જંગલમાં બહાર જવું પડતું હતું. જીવ જંતુઓ નો ડર પણ રહેતો હતો.

ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ3 : શુભ સંકેતો અને પ્રેરણા 

જીવનમાં જ્યારે પુણ્યોદય થાય ત્યારે કુદરતી રીતે જ શુભ સંકેતો મળતા હોય છે. પરંતુ એ સમય અને તકને ઓળખીને તેનો સદુપયોગ કરી લઈએ, વીજળીના ચમકારે મોતી પરોવી લઈએ, અને ભવિષ્ય માટે સત્કર્મો કરીએ તો ધન્ય થઈ જવાય.
farm
જમીનની દેખરેખ અને રખરખાવ પાછળ યથાશક્તિ તન મન અને ધનથી અમે કાર્ય કરી રહ્યા હતા. હવે તો ત્યાં રહેવા લાયક નાનકડું સુંદર ઘર પણ બની ગયું હતું. કુદરત જ્યારે આપણને કોઈ સત્કાર્ય કે મહાનકાર્યમાં નિમિત બનાવતી હોય છે ત્યારે ખૂબ સારા વિચારો ને સારી પ્રેરણા મળતી હોય છે. ક્યારેક અનાયાસે માં-બાપ, વડીલો, ગુરુજન કે પછી મા સરસ્વતીના આરાધકોનુ બોલેલું ફળીભૂત થતું હોય છે.
ભાયંદર છોડીને અમે બોરીવલી રહેવા ગયા. બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં એ વખતે નુતન જિનાલયની પ્રતિષ્ઠા નિમિત્તે અંજન શલાકા મહોત્સવ ચાલતો હતો. માં સરસ્વતીના આરાધક એવા જૈન સંગીતકાર નિલેશ રાણાવત અને તેમની સંગીત મંડળીએ ખૂબ જમાવટ કરી હતી. અમારા પરિવારની ત્રણેય દીકરીઓએ મહોત્સવ દરમિયાન ઉજવાતા કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

ત્રિશલા માતાને આઠમું સ્વપ્ન શિખર સહિત ધજા

ત્રીશલા માતાને ચૌદ સ્વપ્નો આવ્યા હતા એ પ્રસંગ સ્ટેજ પર ઉજવાતો હતો તેમાં મારા ભાઈની દીકરી કનિકા સૂર્યના પાત્રમાં હતી. મારી નાની દીકરી રાજવી લક્ષ્મીજીના પાત્રમાં અને મારી મોટી દીકરી દિશાએ શિખર સહિત ધજા લઈને નૃત્ય કર્યું હતું. સ્ટેજ ઉપર પાત્ર ભજવનાર દરેક બાળકોનો પરિચય કરાવતા નિલેશભાઈ રાણાવત પોતાની આગવી શૈલીમાં નાનકડી કોમેન્ટ કરતા હોય છે. તેમણે મારી મોટી દીકરી દિશાને તેનું નામ પૂછીને કહ્યું :

 

“આ દીકરીના માતા-પિતા ને એક સંદેશ આપીશ કે આ દીકરીના હાથમાં ધજા વધતા સાથે આખું શિખર આવી ગયું છે. ભવિષ્યમાં કંઈક આવો નાનો મોટો લાભ લેજો, ખરેખર તો પુણ્ય તમારું જાગશે…”
એક બીજી વાત પણ મને યાદ આવે છે એ વખતે અમે ભાયંદર રહેતા હતા. મારા મમ્મી પપ્પા ખૂબ ધાર્મિક પ્રકૃતિના હતા. યાદ નથી પણ કોઈએ મારા મમ્મીને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છબી ભેટ આપી હતી.મારા મમ્મી પપ્પા નિત્ય સવારે જાગીને એ છબીના દર્શન કરતા હતા. એમને ખૂબ શ્રદ્ધા હતી.

ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ3 : નાગેશ્વર દાદા સાક્ષાત આ ભૂમી પર બિરાજશે એવી ક્યાં ખબર હતી

અને ત્રીજી વાત હું અગાઉ જણાવી ગયો તેમ શાંતિલાલજીનું ઘર દેરાસર જોઈને અમને બન્ને ભાઈઓને પણ આ જમીનમાં નાનકડું દેરાસર બનાવવાની ખૂબ ઇચ્છા હતી. પણ ત્યારે આ એક સપનું જ હતું; એ ભવિષ્યમાં કોઈ જુદી રીતે સાચું ઠરશે એવી ક્યાં ખબર હતી. નાગેશ્વર દાદા સાક્ષાત આ ભૂમી પર બિરાજશે એવી ક્યાં ખબર હતી.
આ જમીન ઉપર તો ફેક્ટરી, કેટલ ફાર્મ,(તબેલો), રિસોર્ટ, હોટલ, મોટેલ, ઢાબો, પેટ્રોલપમ્પ, ફિલ્મ સ્ટુડિયો અને ગૌશાળા જેવા પ્રોજેક્ટ બનાવવા માટે અમારા જેવા અનેક લોકો સપના સેવતા હતા. જોકે અમે ભૂમિપુત્રો ખરા પણ ભૂમિના સોદાગર નહીં અમે તો ભૂમિની પૂજા કરતાં હતા.

મશહૂર જર્મન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રિચાર્ડ બોડેકરની વાત

અત્રે એક વાત યાદ આવે છે. મશહૂર જર્મન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રિચાર્ડ બોડેકરનું 82 વર્ષની વયે થોડા વર્ષ પહેલાં  નિધન થયું. સાઉદી અરેબિયાના સુલતાને તેમને બોલાવીને તેમની રણની ભૂમિને પેરેડાઈઝ બનાવવા કહ્યું. એ વખતે  જર્મનીના ડસેલડોફ ગામમાં જમીન જાતે ખેડીને તેને વૃંદાવન કરીને ત્યાં રહેતા આ આર્કિટેક્ટ રિચાર્ડ બોડેકરે પ્રિન્સને એટલું ભારપૂર્વક કહ્યું હતું :
‘‘ભૂમિ તો મારી ને તમારી માતા છે, તેને વિકસાવીને તેને વેચી દેવાના હો તો હું તમારી ભૂમિને પલ્લવિત નહીં કરું.”
 એ વખતે પ્રિન્સે ખાત્રી આપી કે,
‘‘ના-ના હું એ ભૂમિમાં તાડના વૃક્ષો, નાળીયેરીઓ અને બીજી લીલોતરી ઉગાડીને તેને માતાની જેમ સાચવીશ.’’
અને એ પછી લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રિચાર્ડ બોડેકરે રણની આ રાજધાનીને લીલાછમ અભયારણ્યમાં ફેરવી નાખી. લેન્ડસ્કેપ આર્કિટેક્ટ રિચાર્ડ બોડેકરની વેબસાઇટ પર પ્રથમ મોટા અક્ષરે એક વાક્ય લખ્યું છે;
“Time spent in nature, leads us to ourselves.”
અર્થાત્  પ્રકૃતિ વચ્ચે વિતાવેલો સમય આપણને આપણી નજીક લઈ જાય છે.

ઓર્ગેનિક ખેતીનો પ્રયોગ

ઉપર મુજબની વિશાળ અર્થ વાળી ટૂંકી વાત મેં અહીં લખી પરંતુ એના મતલબ મુજબનો બહુ મોટો અનુભવ અમને આ જમીન દ્વારા પ્રાપ્ત થયો. અમે, અમારા પરિવારે અને અમારા સગા સંબંધીઓએ અહીંયા કુદરતનાં સાનીધ્યનો ભરપૂર આનંદ લીધો હતો. પાણી આવી ગયું, ઘર તૈયાર થઈ ગયું અને વાહન યોગ થયો પછી વીક-એન્ડમાં અમે અમારા પરિવાર સાથે ફાર્મ હાઉસ પર પહોંચી જતા હતા. મારા ભાઈએ અહીંયા ઓર્ગેનિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હતો.
Cultivation of paddy (rice)
આ વિસ્તારમાં ચોમાસામાં મોટાભાગે ચોખાનું ઉત્પાદન થાય છે. અમે પણ માણસો રાખીને ચોખાની ખેતી કરી; તેથી પડતર કિંમત ખૂબ ઊંચી આવી હતી. ચોખા વેચવાનો તો સવાલ જ ન હતો પરંતુ વરસ બે વરસ ઘરમાં ખાવા માટે ઉપરાંત સગા સંબંધીઓને પણ અપાય તેટલું ઉત્પાદન થયું હતું. આ સિવાય કોઈપણ જાતની વિલાયતી દવા કે ખાતર વગર તુવેર, શાકભાજી, ફળફળાદી તથા ફૂલ ઝાડ વગેરે નું પણ અમે વાવેતર કર્યું હતું.

Fruits and flowers મારા ભાઈને એવો શોખ હતો કે કોઈ પણ ઋતુમાં આપણે અહીં આવીએ અથવા મહેમાન આવે ત્યારે તેમને તે સીઝનના ફળ મળવા જોઈએ. એટલે વખત જતા આ ભૂમિ પર સીતાફળ, રામફળ, જામફળ, ચીકુ, વિવિધ પ્રકારની કેરી તથા કેળાં, અંજીર, કાજુ, બદામ, નાળિયેરી, પેશન ફ્રૂટ, જાંબુ, દાડમ વગેરેના રોપ વાવ્યા હતા. આ સિવાય ગુણોથી ભરપૂર ઘણી જાતની ઔષધિય વનસ્પતિઓ તથા શાકભાજી, મકાઈ અને શેરડી પણ ઉગાડયા હતાં.

નર્સરીમાંથી રોપા એટલે જાણે દત્તક બાળકો લઈને આવ્યા

અમારી જમીનની આસપાસના લગભગ 100 કિલોમીટરના વિસ્તારની મોટાભાગની નર્સરીઓમાં જાતે જઈને વિવિધ પ્રકારના રોપા પસંદ કરીને અહીં લાવ્યા હતા. ઓહોહો… શું એ આનંદ હતો! નર્સરીમાંથી રોપા લાવતી વખતે જાણે દત્તક બાળકો લઈને આવ્યા હોઈએ, એવો ભાવ મનમાં જાગતો હતો; તેથી વાવ્યા પછી પણ બાળકની જેમ તેનું જતન કરતા હતા.

જમીનની આગળ અને પાછળના ભાગે બે ગાર્ડન બનાવવા માટે બાજુના રિસોર્ટમાં કામ કરતા લેન્ડસ્કેપ આર્કિટેકની પણ મદદ લીધી હતી. પણ એ ઘણા સમય પછીની વાત છે જેનું વર્ણન આગળ જતાં કરીશ.

ક્રમશઃ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

क्या हम अपनी ज्ञान धरोहर को बचा पाएंगे?

हस्तलिपि Manuscript विषय पर हम शायद अधिक जानकारी नहीं रखते और न ही हमारी इसमें कोई विशेष रुचि रही है। मगर जिस...

भाषा और लिपि: व्युत्पत्ति, विकास और सांस्कृतिक प्रभाव

मानव सभ्यता के विकास में संचार माध्यम का एक महत्वपूर्ण योगदान रहा है। मानव ने संवाद की आवश्यकता को पूरा करने के...

Brahmi Lipi ब्राह्मी लिपि का उद्भव और विकास

भारत की ऐतिहासिक धरोहरों में ब्राह्मी लिपि एक अनमोल रत्न के रूप में जानी जाती है। यह लिपि भारतीय सभ्यता के विकास...

Recent Comments