ધર્મધામ જૈન તીર્થ અમારી જગ્યાએથી સાત કિલોમીટર દૂર બની રહ્યું છે એ ખબર હતી પરંતુ સ્વપ્નેય ખબર ન હતી કે તે અમારી જગ્યામાં બનશે. અમારા પરિવારની તો બસ એવી શુભ ભાવના હતી કે અમારી જમીનની આસપાસના વિસ્તારમાં ક્યાંક કોઈ જૈન તીર્થનું નિર્માણ થાય. આથી જ અમે 7 કિ. મી. દૂર ચિલ્લાર ફાટા પર આવેલા સાધુ-સાધ્વીજી માટેના વિહારધામ ખાતે ઝડપથી ધર્મધામ તીર્થ બને તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.
નોકરી ધંધો છોડીને બાંધકામ લાઈનમાં જોડાયા
દરમિયાન નવેમ્બર 2008 સુધીમાં અમે દુર્વેસની જમીન પર બંગલો સ્કીમ મૂકવાનું નક્કી કરી લીધું હતું. લોઅર પરેલના ‘શાહ એન્ડ નાહર’ જેવા પ્રતિષ્ઠિત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગ્રાઉન્ડ ફ્લોરના મોકાના ગાળામાં મારો પ્રિન્ટિંગનો ચાલુ ધંધો બંધ કરીને હું full time બાંધકામ લાઈનમાં જોડાયો હતો. મારા ગાળાની બાજુની બિલ્ડિંગમાં જ ‘ગુજરાત સમાચાર’ની ઓફિસમાં મારો ભાઈ સબ એડિટર તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. તેણે પણ એ નોકરી છોડી દીધી.
જોકે એ પહેલાં એક અખતરા રૂપે કરેલા ટાઇલ્સ અને ગારમેન્ટના નવા ધંધામાં નુકસાન થયું હતું. અને આમેય હવે મુંબઈના ભીડભાડવાળા જીવનથી દૂર પ્રકૃતિની ગોદમાં આવેલ અમારી સાઈટ પર બાંધકામ ઉદ્યોગ કરવાનો નિરધાર કર્યો હતો.
‘નિસર્ગ નિશ્રા’ બંગલો સ્કીમ એવું નામ નક્કી કર્યું
બંગલો સ્કીમનું નામ નક્કી કરવા માટે ઘણા બધા વિચારો અને સલાહ સૂચનો લીધા. આખરે ‘ગુજરાત સમાચાર’માં મારા ભાઈની સાથે કામ કરતા સિનિયર સબ એડિટર શ્રી ભારતેન્દ્રભાઈ શુક્લના કહેવાથી ‘નિસર્ગ નિશ્રા’ બંગલો સ્કીમ એવું નામ નક્કી કર્યું. તેમણે ફોનમાં કહ્યું કે “નિસર્ગ એટલે પ્રકૃતિ અને તમારા જૈન ધર્મમાં નિશ્રા શબ્દનો પ્રયોગ ‘સાધુ મહાત્માંઓનું સાનિધ્ય’ એ માટે વપરાતો હોય છે માટે તમે જૈન હોવાથી અને તમારા વિચારો મુજબ ‘નિસર્ગ નિશ્રા’ એ નામ હું સૂચવું છું.” અમે આ નામ વધાવી લીધું. આ ઉપરાંત અમારી કંપનીનું નામ અમે સિદ્ધગીરી ડેવલપર્સ નક્કી કર્યું.
એ પછી મારા ભાઈએ આર્કિટેક્ટના સંપર્કમાં રહીને બંગલાના લેઆઉટ પ્લાન નક્કી કર્યા. પ્રથમ બંગલો અમે કોન્ટ્રાક્ટરને બનાવવા આપ્યો. બંગલો પ્રોજેક્ટના માર્કેટિંગ માટે અમે જે Brochure બનાવ્યું તેમાં પણ અમે આ સાઇટ થી ૭ કિલોમીટરના અંતરે ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈન તીર્થ બની રહ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. Bunglow scheme નું કામ શરૂ થયું ત્યારથી અને તે પહેલા પણ અમારી સાઈટથી 7 કિલોમીટર દૂર ચિલ્લાર ફાટા પાસે આવેલા આ જૈન વિહારધામમાં અમે ઘણી વખત બપોરે ભોજન કરવા જતા હતા. સાથોસાથ મનોમન ભગવાનને એવી પ્રાર્થના પણ કરતા હતા કે અહીં નિર્માણાધીન જૈન તીર્થ વહેલામાં વહેલી તકે બની જાય.
ચમત્કારો આજે પણ થાય છે : પ્રભુની લીલા અપરંપાર છે
આપણે જાણીએ છીએ કે સાચા દિલથી કરેલી પ્રાર્થના હંમેશા ફળતી હોય છે. ચમત્કારો આજે પણ થાય છે. પ્રભુની લીલા અપરંપાર છે. અમને પણ એવા સુખદ અનુભવો થયા. કારણ કે એ વખતે અમને ક્યાં ખબર હતી કે, “જેની જોતાં વાટ એ શેરીમાં સામા મળશે.”
અમે જમીન પર ૯ નંબરના પ્લોટમાં સૌપ્રથમ બંગલાનું અને ઓફિસનું બાંધકામ એકસાથે શરૂ કર્યું. હાઇવે ટચ ઓફિસ ઝડપી તૈયાર થઈ ગઈ હતી. તેના ઉપર ‘નિસર્ગ નિશ્રા’, સિદ્ધગિરિ ડેવલપર્સનું બેનર લાગી ગયું હતું. હાઇવે પરથી પસાર થનાર દરેકનું તે ધ્યાન આકર્ષિત કરતું હતું.
પરિસરમાં ઔષધિય વનસ્પતિઓ તથા વૃક્ષો વાવવા મુંબઈના તત્કાલીન મેયરનો અનુરોધ
આ જમીનની ખુશ્બુ ઉડતી ઉડતી મુંબઈના મહિલા મેયર ડૉ. શુભા રાઉલ સુધી પહોંચી. પૂર્વ જાણ કરીને એક દિવસ તેઓ અમારી ‘નિસર્ગ નિશ્રા’ સાઇટ પર મુલાકાતે આવ્યા. અમે તેમનું સ્વાગત કર્યું. મુંબઈના તત્કાલીન મેયર ડૉ. શુભા રાઉલ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. તેમને આ જગ્યાનું લોકેશન ખૂબ ગમ્યું. તેમણે કહ્યું કે ‘આ જગ્યા પર મનને શાંતિનો અનુભવ થાય છે.’ તેમણે ખૂબ રસપૂર્વક સાઈટ જોઈને આ જગ્યામાં ઔષધિય વનસ્પતિઓ તથા વૃક્ષો વાવવા માટે અમને અનુરોધ કર્યો હતો.
મહારાજ સાહેબે સિદ્ધગિરિ ડેવલપર્સ બોર્ડ વાંચીને પૃછા કરી
મુંબઈ-અમદાવાદ હાઈવે પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. એવી જ રીતે અનેક પદયાત્રીઓ તથા જૈન સાધુ-સાધ્વીજી વિહાર કરતા હોય છે. એક દિવસ મનોર જૈન સંઘના અગ્રણી સંજયભાઈ જૈનનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે ‘સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબ દહાણુંમાં ઉપધાન તપની આરાધના કરાવવા પધાર્યા છે. તેઓ તમારી જમીન પાસેથી વિહાર કરતા નીકળ્યા હતા ત્યારે તેમણે સિદ્ધગિરિ ડેવલપર્સ બોર્ડ વાંચીને મને પૃછા કરી હતી અને અનુકૂળતાએ તમને મળવા માટે દહાણું બોલાવ્યા છે.’
ત્રણ પ્લોટની અંદર વિહારધામ સાથે દેરાસર નિર્માણ કરવા માટે તજવીજ
બીજા દિવસે અમે બંને ભાઈઓ દહાણું પહોંચ્યા. દહાણું જૈન ઉપાશ્રયમાં ઉપધાન તપની આરાધના ચાલી રહી હતી. અમે આચાર્ય ભગવંતને વંદન કર્યા. તેમણે અમને કહ્યું કે ‘તમારી બાજુમાં દુર્વેસ ગામ પાસે અનમ હોટલ, મહાલક્ષ્મી પેટ્રોલપંપ પરિસરમાં વિહારધામ છે. તેના માલિક શ્રી જયંતીભાઈ પોતાની જગ્યા ઉપયોગ કરવા આપીને વર્ષોથી ખૂબ સારી રીતે સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ચનો લાભ લઇ રહ્યા છે; પરંતુ ક્યારેક સંખ્યા ખૂબ વધી જાય ત્યારે અગવડતા પડતી હોય છે. આથી એવું થઈ શકે કે જો તમે તમારી બંગલો સ્કીમમાં એક પ્લોટ દાન આપો અને એક પ્લોટ દહાણું જૈન સંઘને વેચાતો આપો તો સુંદર મજાનું વિહારધામ નિર્માણ થઈ શકે.’
અમે આચાર્ય મહારાજની વાતને સહર્ષ વધાવી લીધી. થોડા દિવસો પછી દહાણું જૈન સંઘના અગ્રણી શ્રી પ્રકાશભાઈ નાહર અને અનોપચંદભાઈ અમારી જમીન ઉપર મળવા આવ્યા. તેમણે અમને એમ કહ્યું કે ‘તમે એક પ્લોટ દાનમાં આપો છો તેના બદલે જો બે પ્લોટ દાનમાં આપો તો કુલ ત્રણ પ્લોટની અંદર વિહારધામ સાથે દેરાસર પણ બનાવી શકાય.’ અમે તરત જ સંમતિ આપી. આથી તેમણે કહ્યું કે અમાસ પછી ત્રણ-ચાર દિવસમાં આપણે ફરી રૂબરૂ મળીને વાત ફાઈનલ કરીએ.
ક્રમશઃ