કોરોનાનો કેર ઓછો થયા બાદ અમે કચ્છમાં ભદ્રેશ્વર જૈન તીર્થની યાત્રાએ ગયા હતા. ભદ્રેશ્વર જૈન મંદિર તરફ જવાના માર્ગમાં, ડાબી બાજુએ રસ્તા પર એક કાળા રંગનું સાઇન બોર્ડ અમને દેખાયું. આ પાટિયા પર લખ્યું હતું : ‘શેઠ જગડુશા ના પ્રાચીન મહેલના અવશેષ’. Remains of the palace of Sheth Jagadusha.
ગાંડા બાવળ અને ઝાડી-ઝાંખરાની અંદર શેઠ જગડુશાની ભવ્ય ઈમારતના અવશેષ
અમે એ રસ્તેથી પસાર થયા ત્યારે સાંજ થવા આવી હતી શિયાળાના દિવસોમાં અંધારું વહેલું થઇ જાય એટલે બીજા દિવસે સવારે ભદ્રેશ્વર તીર્થમાં સેવા, પૂજા, દર્શન, વંદન અને નવકારશી કરીને પાછા વળતાં શેઠ જગડુશાના મહેલના અવશેષો જોવા જવું એવું અમે લોકો એ નક્કી કર્યું.
બીજે દિવસે અમે એ ગલી તરફ વળ્યા, જ્યાં પેલું સાઈન બોર્ડ લગાવેલું છે. અમારી બંને ગાડીઓ ગલીના છેવાડા સુધી પહોંચી ગઈ છતાં પણ રસ્તામાં અમને ક્યાંય અવશેષો જેવું જોવા ન મળ્યું. એક સ્કૂટર સવારે અમને કહ્યું કે, ‘આ ગલીમાં દાખલ થતાં જ થોડા અંતરે આ જગ્યા આવેલી છે’.
ગાડી પાર્ક કરીને અમે એ તરફ ચાલતા જોવા ગયા તો, રહેણાંકી મકાનોની વચ્ચે એક જગ્યાએ ગાંડા બાવળ અને ઝાડી-ઝાંખરાની અંદર અમને તૂટેલી તાર ફેન્સીંગના પોલ જોવા મળ્યા. આજુબાજું ફરીને નજર દોડાવી પણ અવશેષો જેવું કશું જોવા ન મળ્યું. જો અવશેષો જોવાની તીવ્ર જિજ્ઞાસા ન હોત તો આટલેથી જ અમે પાછા વળી ગયા હોત; પરંતુ હું એ પ્લોટ ફરતે આંટો મારવા ગયો.
થોડું વધારે ચાલ્યો ત્યાં જ મને પત્થરના મોટા બે સ્તંભો દેખાયા. આસપાસમાં ખૂબ ગંદકી ફેલાયેલી હતી. સ્થાનિક લોકો તો આ સ્થળનો ઉકારડા તરીકે જ ઉપયોગ કરતાં હશે. પણ મારા આશ્ચર્યનો પાર ન હતો.
દેશભક્ત Sheth jagdusha શેઠ જગડુશા ના નિવાસ સ્થાનના અવશેષો ઉપર ઉકરડો
મેં જાણે મોટો ખજાનો શોધી કાઢ્યો હોય તેમ, મારી સાથે અવશેષો શોધતી અમારી બચ્ચાપાર્ટીને મેં મોટેથી બૂમ મારીને બોલાવી. મોબાઇલમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરીને હું ઝાડી-ઝાંખરાની વચ્ચેથી માર્ગ કરતો આગળ વધ્યો. મારાં મનમાં એક સાથે અનેક વિચારો અને સવાલોનું જાણે ઘોડાપૂર ઊમટ્યું.
વારંવાર મને એક સવાલ થતો હતો કે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દેશના આટલા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સંભાળ કેમ નહીં લેતું હોય?
Sheth jagdusha શેઠ જગડુશા ના મહેલનો છ માળ સુધીનો હિસ્સો જમીનમાં દટાઈ ગયો?
જેમ જેમ હું શેઠ જગડુશાના મહેલના અવશેષોની વચ્ચે આગળ વધતો ગયો તેમ તેમ કુતૂહલ વધતું ગયું. સાથોસાથ ભારોભાર દુઃખ પણ થતું હતું. મને મનમાં થતું હતું કે, ઓહોહો, એક જમાનામાં જે જગતનો પાલનહાર કહેવાતો હતો એવા શેઠ જગડુશાના મહેલની આ દશા?
અહીં મોટા મોટા અખંડ પથ્થરોમાંથી કોરીને બનાવાયેલા સ્તંભો અને મોટા તોતિંગ પથ્થરોની શિલાઓ વડે બાંધવામાં આવેલા આ મહેલના અવશેષો છે. આ અવશેષો જેટલા બહાર દેખાય છે તેના કરતાં પણ વધારે ઊંડા જમીનમાં ખૂંપેલા છે. આ સિવાય રેઢા પડેલા આ સ્થળ પરથી કેટલાય લોકો આ અમૂલ્ય અવશેષો ઉઠાવી ગયા હશે.
મોબાઈલથી વિડીયો શુટીંગ કરતા કરતા હું વિચારતો હતો કે જગડુશા શેઠ નો એ કેવો જમાનો હશે? તેમણે જ્યારે આ મહેલ બંધાવ્યો હશે. ત્યારે તેની ભવ્યતા કેવી હશે? કારણકે રાજા-મહારાજાઓના મહેલના અવશેષો જેવા જ અવશેષો અહીંયા જોવા મળે છે.
ઇન્ટરનેટ પરથી દાનવીર શેઠ શ્રી જગડુશા વિશે આપને ઘણી બધી માહિતી જાણવા મળશે પરંતુ જેઓ જગડુશા શેઠ વિશે બિલકુલ નથી જાણતા તેમને શેઠ જગડુશાનો ટૂંકો પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે, ૧૩મી શતાબ્દીમાં શેઠ જગડુશા ભદ્રેશ્વરના રહેવાસી જૈન વ્યાપારી હતા. વહાણવટા દ્વારા દેશ-વિદેશમાં તેમનો મોટો વેપાર ચાલતો હતો.
Related Link : Shri Bhadreshwar Jain Tirth
શાહ સોદાગર Sheth jagdusha શેઠ જગડુશા દાતાર
વિક્રમ સંવત 1313, ઇ. સ. 1370થી દેશમાં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડયો હતો. દુષ્કાળના આ વર્ષો દરમિયાન, કચ્છના એ શાહ સોદાગર શેઠ જગડુશાએ પોતાના અનાજના ભંડારો ખુલ્લા મુકીને, માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સિંધ, મેવાડ, માલવા, કાશી, દિલ્હી અને કંદહાર સુધીના રાજાઓને તેમની પ્રજા માટે મફત અનાજ આપ્યું હતું.
શેઠ જગડુશાએ ઠેકઠેકાણે ભોજનશાળાઓ શરૂ કરાવીને દરરોજ લાખો લોકોને ભોજન પણ આપ્યું હતું. તેમના આવા માનવતાભર્યા સત્કાર્યો બદલ રાજાઓ અને સમ્રાટોએ તેમને “જગતના પાલનહાર” તરીકેનું બિરુદ આપ્યું હતું.
જગડુશા દાતાર તરીકે પણ જાણીતા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન તમામ ધર્મોનો આદર કર્યો હતો. તેઓએ મંદિરો બંધાવ્યાં, મસ્જિદો પણ બંધાવી અને ભદ્રેશ્વરનાં પ્રાચીન જૈન મંદિરનું નવીનીકરણ કરાવ્યું હતું. આટલું જ નહીં, પરંતુ જ્યારે રાજા પીઠદેવ ભદ્રેશ્વર ઉપર ચડી આવ્યા હતા અને તેમના સૈન્યએ ભદ્રેશ્વરનો કિલ્લો તોડી નાખ્યો હતો ત્યારે તે પછી, ઘમંડી રાજા પીઠદેવની ધમકી હોવા છતાં, શેઠ જગડુશાએ ભદ્રેશ્વર ફરતો નવો કિલ્લો બનાવડાવ્યો હતો.
દાનવીર શેઠ શ્રી જગડુશાના જીવનની આવી તો ઘણી બધી વાતો છે; પરંતુ તેમના મહેલના અવશેષો જોઇને અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક સ્થાનિક મહિલાએ અમને બહુ ચોંકાવનારી વાત કહી કે,
“ તમે જે અવશેષો જોઇને આવ્યા છો તે શેઠ જગડુશાના મહેલનાં સાતમાં માળના અવશેષો છે. અહીંના જુના લોકો એવું કહે છે કે, કોઈ વખતમાં અહીં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો ત્યારે જગડુશાહના મહેલનો છ માળ સુધીનો હિસ્સો જમીનમાં હાલી ગયો હતો. અત્યારે જે દેખાય છે તે મહેલ નો ૭મો માળ છે “.
આટલું સાંભળીને અને સ્થળ પર પરિસ્થિતિ જોયા પછી હું એટલું તો ચોક્કસ કરીશ કે, જે મહાન માનવીએ જગત ઉપર આટલો મોટો ઉપકાર કર્યો હોય, સત્કાર્યો થકી જેમનું ઇતિહાસમાં નામ અમર હોય એવા દેશભક્ત જગડુશાના નિવાસ સ્થાન પર ઉકરડો બનવા દઈએ, શું એ આપણા સંસ્કાર છે?
આ અમૂલ્ય વારસાનું શું આપણે જતન નહીં કરીએ? ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ અહિયાં ઉત્ખનન કરાવીને આ પ્રાચીન અવશેષોની જાળવણી કરે તેવી પ્રબળ લોકલાગણી છે.
Very sad to see remnants of once powerful being. If we take care of our history and give due importance by preserving, proudly displaying and maintaining… we will discover many hidden treasure.
Good job Nileshbhai…
Jyoti Shah, Oune
Thank You So Much.