Friday, November 22, 2024
Home कच्छ जैन तीर्थ Bhadreshwar Jain Tirth : ભદ્રેશ્વર જૈન તીર્થ

Bhadreshwar Jain Tirth : ભદ્રેશ્વર જૈન તીર્થ

“શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ”. જી હા, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ભારતમાં શ્રી સમેતશિખરજી અને શ્રી શત્રુંજય મહાતીર્થ જેવા શાશ્વત તીર્થો બાદ કચ્છમાં Bhadreshwar Jain Tirth ભદ્રેશ્વર મહાતીર્થનું સ્થાન છે. આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ બાદ થોડાક જ વર્ષ પછી કરવામાં આવી હતી.

ભૂકંપ પહેલાંનું શ્રી ભદ્રેશ્વર જૈન તીર્થ : Bhadreshwar Jain Tirth

Bhadreshwar Jain Temple

આજથી 20 વર્ષ પહેલાં જે લોકો ભદ્રેશ્વર જૈન તીર્થની યાત્રાએ ગયા હશે તેઓ ફરીને હવે જો ત્યાં જાય તો તેમને ખૂબ નવાઈ લાગશે. પ્રથમ તો તેમને એમજ લાગશે કે આપણે કોઈ બીજા જ તીર્થમાં આવી ગયા છીએ. મારે પણ એવું જ થયું. હું 30 વર્ષ પહેલાં બે વખત ભદ્રેશ્વરની યાત્રાએ ગયો હતો. આજે પણ મારા માનસપટ પર એ વખતના મંદિરની છબી અંકિત થયેલી છે. મેં એ દેરાસરના બેકગ્રાઉન્ડમાં મારો ફોટો પણ પડાવ્યો હતો. એટલે આટલાં વર્ષો પછી હું જ્યારે હમણાં ભદ્રેશ્વર ગયો ત્યારે મારી આંખો તો એ જૂનું મંદિર શોધવા જ મથતી હતી. જોકે તેની જગ્યાએ આજે ​​એક નવું ભવ્ય જૈન મંદિર બનાવવામાં આવ્યું છે.

નવી પેઢીને આ વાંચીને આશ્ચર્ય થશે. ઘણાંને આ વાતની ખબર હશે અને ઘણાંને નહીં પણ હોય માટે થોડું વિસ્તારપૂર્વક સમજાવું છું.

કચ્છ ભૂકંપગ્રસ્ત ક્ષેત્ર છે. તા. 26 જાન્યુઆરી 2001 ના રોજ સવારે 8:46 વાગ્યે કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભુકંપ દરમિયાન ભદ્રેશ્વરનું જૈન મંદિર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયું હતું. અલબત્ત, બંને મૂળનાયક ભગવાનની મૂર્તિ મંદિરમાં સુરક્ષિત રહી હતી.

જો કે આ પહેલા પણ કચ્છમાં ઘણી વખત ભૂકંપ આવ્યા હતા, પરંતુ આ સમયે તે મંદિર સંપૂર્ણપણે સલામત રહ્યું હતું,  પણ 2001ના ભૂકંપથી જિનાલયને વધારે પડતું નુકસાન થયું ત્યારે નવા બાંધકામની જરૂરિયાત ઉભી થઈ હતી.

ભગવાન મહાવીરના નિર્વાણના 23 વર્ષ પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા

આ યાત્રાધામના ઇતિહાસ મુજબ, ભગવાન મહાવીરના નિર્વાણના 23 વર્ષ પછી દેવચંદ્ર નામના એક શ્રાવકે  ભદ્રાવતી શહેરના તત્કાલીન રાજા સિદ્ધસેનની મદદથી, અહિયાં મંદિર બનાવડાવીને શ્રી કપિલ કેવલી મુનીવર દ્વારા ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આ બાબતનો ઉલ્લેખ અહીંથી મળી આવેલા એક તામ્રપત્ર (તાંબાના પતરાં)માં મળ્યો છે.

Old Bhadreswar jain Temple

ભૂકંપ દરમિયાન નુકસાન થયેલ આ જૈન મંદિર લગભગ 200 વર્ષ જૂનું હતું. મંદિરની ઊંચાઈ 150 ફુટ લંબાઈ 38 ફૂટ અને પહોળાઈ 80 ફૂટ હતી. પરમ પૂજ્ય કપિલ કેવલી મુનીવર દ્વારા સ્થાપિત ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને મુખ્ય મંદિરમાં આવેલી ભમતીની 50 દેરીઓ વચ્ચે 25 મી દેરીમાં સ્થાપના થઈ હતી. જ્યારે શ્રી મહાવીરસ્વામી ભગવાન આ તીર્થના મૂળનાયક હતા. અલબત્ત, શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ પાષાણમાં નિર્મિત આ પ્રાચીન પ્રતિમા સૌ પ્રથમ આ મંદિરના મૂળ ભગવાન હતા. પરંતુ ઇતિહાસમાં એમ કહેવાય છે કે કોઈ એક સમયે જ્યારે આ શહેરને નુકસાન થયું હતું, ત્યારે એક મુનિએ ભગવાન શામળિયા પારસનાથની મૂર્તિને પોતાના કબજામાં રાખી હતી અને બાદમાં લાંબા વખત પછી તેને શ્રી સંઘને સોંપી દીધી હતી.

ભૂકંપ આવ્યા પછી ચાર મહિના બાદ સંવત ૨૦૫૭  વૈશાખ સુદ ૬, રવિવાર, તા. 29/4/2001ના રોજ બધા જ ભગવાન તથા ગૌતમ સ્વામી વગેરેની બીજી બધી મૂર્તિઓ તેમજ ગુરુ મૂર્તિઓ અને તમામ દેવી-દેવતાઓની સ્થાપના નવા ગૃહ મંદિરમાં કરવામાં આવી હતી.

જૂન 2010 માં, નવા જિનાલયનું નિર્માણ પૂર્ણ થયું

Bhadreshwar Jain Tirth

પ્રાચીન ભદ્રાવતી શહેર જે આજે ભદ્રેશ્વર વસાહી તરીકે પ્રખ્યાત છે. આ પવિત્ર ભૂમિ પર, જૂન 2010 માં, નવા જિનાલયનું નિર્માણ પૂર્ણ થયું. આ જિનાલય રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં આવેલા બંસી પર્વતનાં પત્થરો Bansi Paharpur Sand Stone થી બનાવવામાં આવ્યું છે.

તા. 02/06/2010ના રોજ આ નુતન બાવન જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા થઈ

Bhadreswar jain Temple

વિ. સં. ૨૦૬૬, માર્ગશીર્ષ સુદ ૬, સોમવાર, તા. 23/11/2009 ને સોમવારે સવારે બંને મૂલનાયક ભગવાનની શુભ મુહૂર્તમાં ગૃહપ્રવેશ વિધિ સંપન્ન થઈ હતી. અને સંવત ૨૦૬૬, વૈશાખ વદી પાંચમને બુધવારના શુભ દિવસે, તા. 02/06/2010ના રોજ આ નુતન બાવન જિનાલયની પુનઃ પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થઈ હતી.

યાત્રિકોને રહેવા તથા ભોજન માટેની સુંદર વ્યવસ્થા

Bhadreswar jain Tirth

નૂતન જિનાલય જૂના દેરાસરની શૈલીમાં જ રચાયેલ છે. જો કે, આ જિનાલય પહેલા કરતાં મોટું છે. જૈન મંદિર સંકુલની આજુબાજુમાં સુંદર ફૂલોના બાગ, બગીચા છે. યાત્રિકોને અહીં રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે. તેમજ મોટી ભોજનશાળા પણ છે.

2524 વર્ષ દરમિયાન Bhadreshwar Jain Tirth નો 10 મો જીર્ણોદ્ધાર

Bhadreswar jain Temple

ભદ્રાવતી શહેરની પવિત્ર ભૂમિ પર 2524 વર્ષ દરમિયાન જૈન મંદિરનો આ 10 મો જીર્ણોદ્ધાર (નવીનીકરણ) છે. જે વર્ષ 2010 માં કરવામાં આવ્યો હતો. અગાઉ, આ યાત્રાધામનું મહારાજા કુમારપાળ તથા સમ્રાટ સંપ્રતિ મહારાજા, તેમજ ભદ્રાવતીના દાનવીર શેઠ શ્રી જગડુશા અને ત્યારબાદ શેઠ વર્ધમાન તથા શેઠ પદમાશી શા વગેરે જેવા યુગપુરુષો દ્વારા સમયાંતરે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

યુગપુરુષો દ્વારા Bhadreshwar Jain Tirth ભદ્રેશ્વર જૈન તીર્થની સેવા

આ તીર્થસ્થાનો શ્રીમાળી બંધુઓએ વિક્રમ સંવત ૧૧૩૪  (AD ઇ. સ. 1191) માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, આવો ઉલ્લેખ પણ અહીં મળી આવે છે. આ જિનાલયમાં 16 મી સદીનો એક મહત્વનો શિલાલેખ પણ મોજૂદ છે.

મહામંત્રી શ્રી વિમલ તથા મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ-તેજપાલ બંને ભાઈઓ પણ તેમના સમયમાં આ તીર્થની સેવા કરી ગયા છે.

ભદ્રાવતી એટલેકે ભદ્રેશ્વર એક જમાનામાં મોટું અને ધીકતું (દેદીપ્યમાન,ઝળહળતું, જોશભેર ચાલતું, આબાદ) બંદર (Port) હતું. દેશ-વિદેશ સાથે અહીંથી દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. વિશ્વ વિખ્યાત દાનવીર શેઠ શ્રી જગડુશા આ નગરના રહેવાસી હતા. તેઓ  વેપાર માટે આ નગરમાં આવીને વસ્યા હતા. આ બંદરેથી તેમનાં વહાણો માલ સામાન ભરીને દેશ-પરદેશ જતાં આવતા હતાં. શ્રી જગડુશા શેઠે ભદ્રાવતીના પુનરુત્થાન માટે મોટું યોગદાન આપ્યું હતું

જૈન સાહિત્યમાં બ્રહ્મચારી દંપતી તરીકે જાણીતા જે વિજય શેઠ અને વિજયા શેઠાણીની વાત આવે છે તેઓ પણ આ ભદ્રાવતી નગરીના જ રત્નો હતા.

Bhadreswar jain Derasar

આ તીર્થ વસહી (વસઇ) એવા નામથી પણ પ્રખ્યાત છે. વસહી એટલે વસતિ. આ નામ આ જિનાલય અને તેના પરિસર માટેનું જૂનું નામ છે. જૂનું ભદ્રેશ્વર નગર નાશ પામ્યું. નવા ભદ્રેશ્વરની પૂર્વ બાજુએ આ તીરથનું વિશાળ સંકુલ આવેલું છે.

અહીંથી કચ્છના બીજા ભવ્ય, મનોહર જૈન તીર્થોની યાત્રા, નાની-મોટી પંચતીર્થી કરવા જવાય છે. આ બધીજ જગ્યાએ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે.

નાની પંચતીર્થી

  • વડાલા
  • ગુંદાલા
  • વાંકી
  • અરનાથ ધામ (ટોડા)
  • અહિંસાધામ (પ્રાગપર રોડ)
  • ભુજપુર
  • મોટી ખાખર
  • નાની ખાખર
  • બિદડા
  • બહુંતેર જિનાલય
  • માંડવી
  • શિવમસ્તુ તીર્થ

મોટી પંચતીર્થી

  • લાયજા
  • દેઢિયા તીર્થ
  • ડુમરા
  • સાંધાણ
  • સુથરી
  • કોઠારા
  • જખૌ
  • નલિયા  (નલિયા થી નારાયણ સરોવર, કોટેશ્વર ભારત પાકિસ્તાન સીમા સુધી દર્શને અને ફરવા જઈ શકાય.
  • તેરા
  • પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ

તેરા થી ભુજ 35 કિ. મી. છે.

ભદ્રેશ્વર તીર્થ પહોંચવા માટે ભારતના કોઈપણ ભાગ માંથી ગુજરાતનાં કચ્છમાં આવેલા ગાંધીધામ સ્ટેશને રેલ્વે દ્વારા પહોંચીને ત્યાંથી બસ, ટેક્ષી અને ટ્રાવેલ્સ દ્વારા જઈ શકાય છે. ગાંધીધામ થી ભદ્રેશ્વરનું અંતર 32  કિ. મી. છે.

મુંબઈથી ભુજ માટે વિમાની સેવા પણ ઉપલબ્ધ છે.

અમદાવાદથી કચ્છ તરફ જતાં ત્રણ કલાકના અંતરે હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામે તારંગાધામ જૈન તીર્થ આવે છે. આ જિનાલયમાં શ્રી લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપ અને ભગવાનના દર્શન થાય છે. આ દેરાસરનું નકશીકામ ખાસ જોવા લાયક છે.  ત્યાંથી

આગળ જતાં નાના કટારિયા જૈન તીર્થના દર્શન કરવા જઈ શકાય છે. નાનકડા ગામમાં આવેલું આ જૈન તીર્થનું ભૂકંપ બાદ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ બધા તીર્થો વિષે ફરી વિસ્તારથી લખીશું. આપના કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. આ લેખ તમને ગમ્યો, નગમ્યો હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી.

 

4 COMMENTS

  1. જય જીનેન્દ્ર..તારંગા તીર્થધામ ગામ ચુલી, ધ્રાંગધ્રા નાં દર્શન નો લ્હાવો ઇન્ટરનેટ દ્વારા મળ્યો.અદ્ભૂત ,અદ્ભુત , અદ્વિતીય.મારી ઉમ્ર ૮૪ વર્ષ છે.મારી બાલ્યાવસ્થા થી જૈન પરિવારનાં સંસર્ગમાં રહેવાથી જૈન ધર્મ તીર્થો ની યાત્રા કરવા નો લાભ મેળવવા ની ભાવના રહે છે.ભદ્રેશ્વર તીર્થધામ યાત્રા ૬૦ વર્ષ પૂર્વે થયેલ..હવે ભાવના થયા કરે છે કે જો ત્યાં નિવાસ માટે ની વ્યવસ્થા મળે તો ,સાધુ ભગવંતો સાન્નિધ્યમાં ધર્મલાભ પ્રાપ્ત થૈ શકે.ભાવનગર મારું વતન છે એથી શેત્રુંજી તીર્થધામ યાત્રા બહુવાર થઈ શકી છે.ચુલી તીર્થધામ જવા વિચાર્યું છે.આદેશ મળશે તો લાભ પ્રાપ્ત થશે..લી.વિનોદ વ્યાસ નાં જય જીનેન્દ્ર.

    • આદરણીય શ્રી વિનોદભાઈ, નમસ્તે, જય જિનેન્દ્ર આપનો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. આપને Chuli તીર્થધામમાં નિવાસ માટેની વ્યવસ્થા જરૂર થઈ શકે. આ માટે હું આપને વૉટ્સઍપ દ્વારા વધારે માહિતી આપીશ. મારે વલભીપુર કે ભાવનગર આવવાનું થશે ત્યારે આપને જાણ પણ કરીશ. આભાર.

  2. ખૂબ સરસ ઉપયોગી માહિતી. ઐતિહાસિક માહિતી સાથે જૈન પ્રવાસી માટે માર્ગદર્શક માહિતી. વ્યાસભાઇ માટે ધર્મશાળામા રહેવાની વ્યવસ્થા માટે તમારી વાત ગમી પણ જૈન યાત્રિક તરીકે ધર્મશાળા મેળવવામાં મને કોઇ તક્લીફ નથી પડતી પણ મારા વેવાઈ પટેલ હોવાથી જયારે પણ યાત્રામાં સામેલ થાય છે તો તકલીફ પડતા હોટેલમાં રહેવું પડે છે કા કે જૈન સિવાય આપતા નથી.અત્યારે જૈનો માટે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા મજબુરી છે.

    • જૈન સાથે અન્ય કોઈ સગા હોય તેમને રહેવાની વ્યવસ્થા ન આપાય તે સ્થાનિક કર્મચારીઓની ભૂલ કહેવાય. તેઓ ક્યારેક જડતાથી નિયમોને વળગી રહેતા હોય છે.આપના અમારી વેબસાઈટ અને લેખ વિશેના પ્રતિભાવ બદલ ખુબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

क्या हम अपनी ज्ञान धरोहर को बचा पाएंगे?

हस्तलिपि Manuscript विषय पर हम शायद अधिक जानकारी नहीं रखते और न ही हमारी इसमें कोई विशेष रुचि रही है। मगर जिस...

भाषा और लिपि: व्युत्पत्ति, विकास और सांस्कृतिक प्रभाव

मानव सभ्यता के विकास में संचार माध्यम का एक महत्वपूर्ण योगदान रहा है। मानव ने संवाद की आवश्यकता को पूरा करने के...

Brahmi Lipi ब्राह्मी लिपि का उद्भव और विकास

भारत की ऐतिहासिक धरोहरों में ब्राह्मी लिपि एक अनमोल रत्न के रूप में जानी जाती है। यह लिपि भारतीय सभ्यता के विकास...

Recent Comments