શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈનતીર્થ ની ભૂમિની ઐતિહાસિક ઘટનાઓનું સ્મરણ કરતાં ભૂતકાળ નજર સમક્ષ તરવરવા લાગે છે. ઘટનાઓની યાદો તાજી થાય છે. એ વિષે ગમે તેટલું લખું તો પણ એ અનુભવોના આનંદનું વર્ણન કરવું મારા માટે શક્ય નથી. આમ છતાં આગળ વાત કરું તો…
Bunglow scheme
સાવ અજાણ્યા વિસ્તારમાં જમીન સાચવવી એ બહુ જ અઘરી વાત છે. છતાં ઘણા વર્ષો સુધી જમીન જાળવી રાખીને તેના પર મેં લાખો રૂપિયાનો, બેહિસાબ ખર્ચ કર્યો અને મારા ભાઈએ ખૂબ તપસ્યા કરી, ત્યારે તેના ફળસ્વરૂપ આજે જમીન પર Bunglow scheme ડેવલપ થઈ રહી હતી.
ભાવના શુદ્ધ હતી એટલે પ્રભુએ સામે ચાલીને આવવાની તત્પરતા બતાવી
મેં અગાઉ જણાવ્યુ તેમ અમે જમીન લીધી ત્યારે પાલઘરમાં શાંતિલાલજીનું ઘર દેરાસર જોઈને અમારી પણ ભાવના હતી કે અમારે અમારી જમીન પર પણ જૈન દેરાસર બનાવવું. પરંતુ એ સ્વપ્ન ક્યારે પૂરું થશે તે ખબર ન હતી. અલબત્ત, એ વખતે અમારી કોઇ શક્તિ પણ ન હતી કે અમે સ્વદ્રવ્યથી દેરાસર બનાવી શકીએ. પણ ઈશ્વરની લીલા અપરંપાર છે. અમારી ભાવના શુદ્ધ હતી એટલે પ્રભુએ સામે ચાલીને આવવાની તત્પરતા બતાવી. હવે એકદમ પાક્કી ખાતરી થઇ ગઇ હતી કે ઈશ્વર અમારી સાથે છે.
આ જમીન પર એક દેરાસર પણ બનાવવું એ સ્વપ્ન હવે હાથવેંત છેટુ દેખાઈ રહ્યું હતું. દહાણું જૈન સંઘના આગેવાનો બે ત્રણ દિવસ પછી આ બાબતે નક્કી કરવા આવવાના હતા. અમારા મનમાં હર્ષોલ્લાસ હતો. પરંતુ બન્યું એવું કે એ દિવસો દરમિયાન બાજુની અન્નમ્ હોટેલના માલિક શ્રી જયંતીભાઈ એ મારા ભાઈને મળવા માટે બોલાવ્યો. એ વખતે તેમણે એવી વાત કરી કે ‘તમારી જગ્યા તમે વ્યાજબી ભાવે વેચાતી આપો તો તેમાં મોટું શિખરબંધી જૈન દેરાસર ઉપાશ્રય વગેરે બનાવવા માટે મારી પાસે ઓફર આવી છે.’
મોટું શિખરબંધી જૈન દેરાસર અને ઉપાશ્રય માટે પ્રસ્તાવ
મારા ભાઈએ દહાણું સંઘ સાથે વિહારધામ અને દેરાસર બનાવવા માટેની ચાલી રહેલી વાત જયંતીભાઈ ને કહી. જયંતીભાઈ એ કહ્યું કે ‘બંને વાતનો સાર એક જ છે; પણ તમે કહેતા હો તો હું મને પ્રપોજલ આપનાર એ વ્યક્તિને મળવા માટે બોલાવું.’
બીજા દિવસે માણેકભાઈ મહેતા નામના વ્યક્તિ મારા ભાઈને મળવા આવ્યા. માણેકભાઈએ મારા ભાઈને કહ્યું કે આ રોડ ઉપર મેં ઘણી જમીન જોઈ છે; પરંતુ મને તમારી જમીન સૌથી વધારે પસંદ છે. જો તમે હા કહો તો હું વાલકેશ્વરથી અમારા ટ્રસ્ટીઓને બોલાવું અને જમીન બતાવું.
શુભકાર્યમાં જે વહેલો તે પહેલો : ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈનતીર્થ
ભાઈએ કહ્યું કે, અમારી દહાણું જૈન સંઘ સાથે પણ આ રીતે વાત ચાલી રહી છે. બે ત્રણ દિવસમાં એ લોકો આવવાનું કહીને ગયા છે, જો એ ન આવે તો આપણે આગળ વાત કરીએ. તેમ છતાં તમે અમારી જમીન કોઈને બતાવવી હોય તો ખુશીથી બતાવી શકો છો.
માણેકભાઈ સાથેની મુલાકાત પછી બીજા દિવસે વાલકેશ્વરથી શેઠ શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દેરાસરના મુખ્ય ટ્રસ્ટીઓ અમારી જમીન જોવા માટે આવ્યા હતા; પરંતુ એ વખતે અમે મુંબઈ હતા. જયંતીભાઈએ અમારી તેમની સાથે ફોન પર વાત કરાવી. જોકે આ પાંચ – છ દિવસો દરમિયાન દહાણું જૈન સંઘના ભાઈઓ તરફથી કોઈ સમાચાર આવ્યા ન હતા. એટલે અમારે તો શુભકાર્યમાં જે વહેલો તે પહેલો.
બીજા દિવસે જગ્યા પર અમારી ઓફિસમાં મીટીંગ થઈ. આ મિટીંગમાં શેઠ શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઝવેરી તથા ભાયંદર બાવન જિનાલય તેમજ અન્ય જૈન સંસ્થાઓના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ દેવચંદ, ગિરનારધામ અને પુણ્યધામના ટ્રસ્ટી શ્રી માણેકલાલ મહેતા તથા વાલકેશ્વરના શ્રી પ્રદિપભાઈ ઝવેરી અને વિજયભાઈ (વડાલી વાળા) તેમજ જયંતીભાઈ સાથે મિટિંગ થઈ હતી.
આ મિટિંગમાં મેં જમીનના પાછળના 24 નંબરથી 51 નંબર સુધીના પ્લોટસ આપવાની વાત કરી. કારણકે તો જ અમે બંગલો સ્કીમ પડતી મૂકીને આગળના ભાગે ગાર્ડન રેસ્ટોરન્ટ કે બીજું કઈક બનાવીને ધંધો કરી શકીએ.
માતાની શિખામણ
એ વખતે અમારો બે ભાઇનો પરિવાર 1BHK ફ્લેટમાં રહેતો હતો. મોટું ઘર અને ધંધો એ અમારી ખાસ જરૂરિયાત હતી. આમછતાં અમે જ્યારે ઘરેથી ટ્રસ્ટીઓ સાથે મિટિંગ માટે નીકળ્યા હતા ત્યારે અમારા મમ્મીએ ભાર પૂર્વક કહ્યું હતું કે,
“જોજો, પૈસા સામે ન જોતાં, એ તો નસીબમાં હશે તો મળી જ રહેશે. પરંતુ આપણી જમીનમાં જો તીર્થ બનશે તો એના જેવું ઉત્તમ બીજું કઈ જ નહી.”
એટલે જ્યારે આ જૈન અગ્રણીઓએ અમારી મિટિંગ દરમિયાન રોડ ટચ, આગળની જમીન માટે આગ્રહ રાખ્યો ત્યારે એ આપવા માટે પણ અમે સંમત થયા. અને જમીનની કિમત બાબતે પણ તેમણે જે રકમ નક્કી કરી એ અમે માન્ય રાખી. અમે તેમને એમ પણ કહ્યું કે,
અમારી શક્તિ નથી નહીતો અમારી ભાવના તો તીર્થ માટે જમીન દાન કરવાની છે.
જમીન ઉપર અમારી ઓફિસે આ અગ્રણીઓ સાથેની મિટિંગમાં ઉત્સાહક વાતાવરણ વચ્ચે સૌએ શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની જય બોલાવી. તે પહેલા સુરેશભાઈ દેવચંદ શાહે પોતાના મોબાઈલમાં સૌપ્રથમ વખત આ તીર્થના મૂળનાયક ભગવાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથના અમને દર્શન કરાવ્યા.
તમે માનશો? ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈનતીર્થ માટે ભગવાને ખુદ અમારી જમીન પસંદ કરી
મૂળનાયક ભગવાન સહિતના બધા પ્રતિમાજી રાજસ્થાનમાં ઘડવામાં આવ્યા હતા. આ મૂર્તિઓ રાજસ્થાનથી મુંબઈ તરફ આવવા માટે રવાના થઈ હતી. બે ત્રણ દિવસ પછી ભગવાન વાલકેશ્વર પધારવાના હતા; ત્યારે આશ્ચર્યની વાત એ હતી કે ભગવાન રાજસ્થાનથી તો રવાના થયા પરંતુ તે કઈ જમીનમાં બિરાજશે એ જમીન હજુ થોડીવાર પહેલાં સુધી નક્કી થઇ ન હતી.
માત્ર થોડી ક્ષણો પહેલાજ નક્કી થયું કે હવે ભગવાન અમારી જમીનમાં બિરાજશે. અમારી જમીન ઉપર જિનાલય બનશે એ વાતની કલ્પના જ અંતરમાં અનેરો આનંદ આપતી હતી. અમારું સ્વપ્ન આટલું જલ્દી સાકાર થશે, અને નાનકડું એવું સ્વપ્ન આટલું ભવ્ય સ્વરૂપ ધારણ કરશે એની તો કલ્પના જ ના હતી.
અગાઉ આ તીર્થ અમારી જમીનથી સાત કિલોમીટર અમદાવાદ તરફ ચીલ્લાર ફાટા ઉપર જે વિહારધામ છે (હાલમાં ત્યાં પણ ભવ્ય જૈન તીર્થ બની રહ્યું છે.) ત્યાં બનવાનું હતું, પણ કોઈ કારણસર એ મુલતવી રખાયું હતું.
જોકે આ લેખમાળામાં મેં અગાઉ જણાવ્યું હતું તેમ અમે તો અમારી જમીનથી સાત કિલોમીટર દૂર ચિલ્લાર ફાંટા પર આવેલા વિહારધામ ખાતે આ તીર્થ ખૂબ ઝડપથી બને તે માટે પ્રાર્થના કરતા હતા.
જમીનનો સોદો નક્કી કરતી વખતે સુરેશભાઈએ અમને કહ્યું હતું કે,
“ભગવાન રાજસ્થાનથી આ તરફ આવવા રવાના થઇ ગયા છે જો તમે જમીન આપવાની હા કહો તો પહેલી પધરામણી આ જમીન પર કરાવીએ. ભગવાનનો અંજનશલાકા મહોત્સવ વાલકેશ્વર ખાતે થવાનો છે.”
ધર્મકાર્ય, તપ અને વડીલોના પુણ્યના પ્રતાપે આ ભૂમિ બળવાન બની
અહીં વિચારવાની વાત એ છે કે, પૂર્વે આ રોડ પરથી વિચરતા કેટલાય સંતપુરુષો, સાધુ-સાધ્વી ભગવંતો અને પુણ્યાત્માઓના પુનિત પગલાં આ ભૂમિ ઉપર પડ્યા હશે; અહીં તેમના વિશ્રામ દરમિયાન ધર્મકાર્ય અને તપના પ્રભાવે આ ભૂમિ ખૂબ બળવાન બની હશે. તો જ એવું બને કે ભૂમિના પ્રભાવે ભગવાન આકર્ષાયા અથવા તો એમ પણ કહી શકાય કે ભગવાને પોતાને બિરાજવા માટે આ જમીનને પસંદ કરી. સાથોસાથ અમારા પણ મા-બાપ, દાદાના પુણ્યપ્રતાપે અમે આ ઘટનાના સાક્ષી અને નિમિત્ત બન્યા.
જૈનતીર્થ માટે અમારી જમીનના કુલ 51 પ્લોટ માંથી આગળના 19 પ્લોટ (પ્રાયઃ બે એકર) આપવાનું નક્કી થયું. એ પછી એક દિવસ અમે બન્ને ભાઈઓ વાલકેશ્વર ખાતે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરી મહારાજ સાહેબ સમુદાયના આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા તથા આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા. આદી સાધુ-સાધ્વીજી ભગવંતોને વંદન કરવા ગયા.
આચાર્ય ભગવંતોની પ્રેરણા : ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈનતીર્થ
‘શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ’ આ આચાર્ય ભગવંતોની પ્રેરણાથી નિર્માણ થવાનું હતું. અમે આચાર્ય ભગવંતોને વંદન કરીને આશીર્વાદ લીધા. એ દરમિયાન આચાર્ય ભગવંતો એ અમને પ્રેરણા કરી કે,
“આ તીર્થ ભૂમિની જમીનના તમે માલિક છો એટલે તીર્થના મૂળનાયક ભગવાનના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષની પ્રતિમાજી ભરાવવાનો લાભ તમે લ્યો તો સારુ.”
આચાર્ય ભગવંત શ્રી રાજરત્નસૂરીશ્વરજીએ કહ્યું કે, બાકીના બીજા બધા પ્રતિમાજીઓના ચડાવા થઈ ગયા છે, તેના લાભ અપાઈ ગયા છે. માત્ર પાર્શ્વયક્ષના પ્રતિમાજીનો નકરો રાખીને તે લાભ તમને આપવાની ભાવના છે. અમે ગુરદેવોની પ્રેરણાને આજ્ઞા માનીને સહર્ષ તે લાભ લીધો.
તે દિવસે બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દેરાસર વાલકેશ્વર ઉપાશ્રયમાં આચાર્ય ભગવંતોના વ્યાખ્યાનમાં અમે ગયા. ત્યાં સંઘના પ્રમુખ આગેવાન બાબુ શ્રી ભરતભાઇ ઝવેરી તથા શ્રી ધર્મધામ તીર્થના મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીના લાભાર્થી એશિયન સ્ટાર વાળા શ્રી વિપુલભાઈ તથા ડાયમંડ કિંગ, જાણીતા ફિલ્મ ફાઇનાન્સર શ્રી ભરતભાઇ શાહ વગેરેની ઉપસ્થિતિમાં વાલકેશ્વર સંઘ દ્વારા અમારું બહુમાન કરવામાં આવ્યું અને વ્યાખ્યાનમાં આચાર્ય ભગવંત શ્રી રાજરત્ન સૂરીશ્વરજીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું.
ક્રમશઃ