આજથી 187 વર્ષ આસપાસ મુંબઈના દરિયા કિનારે એક તરૂણ આપઘાત કરવા જાય છે; પરંતુ એ વખતે દરિયામાં ઓટ હોવાથી એ યુવક રેતીમાં ઊંઘી ગયો. એના માથેથી રાત પસાર થઈ, અને ઘાત પણ ટળી ગઈ. બીજા દિવસે સવારે એક શેઠ સાથે તેનો ભેટો થયો અને એ યુવકના નસીબ આડેથી જાણે પાંદડું ખસી ગયું. એ પછી તે મુંબઇનો મહાનાયક અને દાનવીર શેઠ કેશવજી નાયક Sheth Keshvaji Nayak કેવી રીતે બન્યો એ હવે જાણીએ.
મુંબઈમાં શેઠ શ્રી કેશવજી નાયકના નામના ડંકા વાગતા હતા
મુંબઇમાં વસતા અને એ સિવાયના ઘણા લોકોએ શેઠ શ્રી કેશવજી નાયકનું નામ તો જરૂર સાંભળ્યું હશે. મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં કેશવજી નાયક રોડ આવેલો છે. આ વિસ્તારમાં ભાત બઝારમાં કેશવજી નાયક ફાઉન્ટન અને ક્લોક ટાવર છે જે મુંબઈના હેરિટેજ સ્થાપત્યો માંથી એક છે. ૧૩૯ વર્ષ પછી આ ફુવારાનું નવીનીકરણ કરીને તારીખ ૮મી માર્ચ 2015ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઉપરાંત ગિરગાંવ, મુંબઈમાં કેશવજી નાયકની ચાલ છે; ત્યાંથી લોકમાન્ય તિલકે ઈ. સ. 1893માં મુંબઈના સૌ પ્રથમ સાર્વજનિક ગણપતિ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી.
શેઠ શ્રી કેશવજી નાયકનો સુર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે મુંબઈથી ભાવનગર સુધી દરિયાઈ માર્ગે શત્રુંજય સુધી અને ત્યાંથી સડક માર્ગે કચ્છના કોઠારા સુધીનો એક લાખ કરતાં પણ વધારે યાત્રિકો સાથેનો ભવ્ય સંઘ તેમણે કાઢ્યો હતો.
એ વખતે શ્રી શત્રુંજય પર્વત ઉપર શેઠ નરશી કેશવજી અને કેશવજી નાયકની ટૂંક તેમજ પાલિતાણામાં જૈન ધર્મશાળા અને કચ્છના કોઠારામાં ભવ્ય જિનાલયનું નિર્માણ / પ્રતિષ્ઠા એવા અનેક સુકૃત કરનાર આ શેઠના જીવનની કથા ખુબજ રસપ્રદ અને પ્રેરક છે.
સૌપ્રથમ આપણે શેઠ શ્રી કેશવજી નાયકની સાત પેઢીનો પરિચય મેળવીએ. જો કે એ પહેલાં અહીં આપણે એક સ્પષ્ટતા કરી લઈએ કે કેશવજી શેઠના પિતાનું નામ નાયક હતું એટલે નાયક એમની અટક નહીં પરંતુ પિતાનું નામ છે. Naik પણ નહી.
સૌ પ્રથમ તસ્વીરમાં ડાબેથી શેઠ કેશવજી નાયક પોતે ત્યારબાદ તેમના સુપુત્ર નરશી કેશવજી, ત્રીજી પેઢીએ જેઠાભાઇ નરશી, ચોથી પેઢીના નાયક જેઠાભાઇ અને પાંચમી પેઢી એ દિનેશભાઇ દંડ કે જેમની તસવીર મારી સાથે નીચે છે; તેઓ હાલમાં મુંબઈ રહે છે પરતું પાલિતાણામાં આવેલી શેઠ કેશવજી નાયક ધર્મશાળાનો વહીવટ ઉપરાંત બીજી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.
દિનેશભાઇનો પુત્ર કેકિન તેમજ નાયક જેઠાભાઈના બીજા પુત્ર જનકભાઈ અને તેમનો પરિવાર તથા અન્ય કુટુંબીજનોનો પરિચય પાલિતાણામાં તેમની ધર્મશાળામાં લગાવવામાં આવેલી તસવીરો તેમજ વંશ વૃક્ષ દ્વારા આપણને જાણવા મળે છે.
ચીનમાં સર્વ પ્રથમ ભારતીય કંપની નરશી કેશવજી હતી
The first Indian company in China
આજથી લગભગ ૧૭૫ વર્ષ પહેલા શેઠ કેશવજી નાયક મુંબઈના શાહ સોદાગર હતા. તેમણે ઈસવીસન 1860માં પોતાના પુત્રના નામે ચીનના હોંગકોંગમાં નરશી કેશવજી નામની પેઢી સ્થાપી હતી. ચીનમાં આ સર્વ પ્રથમ ભારતીય કંપની હતી. વિક્રમ સંવત ૧૯૧૯ માં તેમણે બેન્ક ઓફ ઈન્ડિયા લી. જે પહેલા ખોજા બેન્ક કહેવાતી તેની સ્થાપના કરી હતી. આ ઉપરાંત બીજી બેંકો અને કેટલીક મિલોની પણ મુંબઈમાં સ્થાપના કરી હતી.
મુંબઈના કોલાબા વિસ્તારમાં દરિયો પૂરીને બંદર બાંધવાનું કામ પણ તેમણે કર્યુ હતું. આજથી ૧૬૦ વર્ષ પહેલાં કેશવજી શેઠ મુંબઈમાં ચાર ઘોડાની બગીમાં અવર જવર કરતા હતા. તેમની ગાડીનો કોચવાન અંગ્રેજ હતો.
અંગ્રેજોના શાસનકાળમાં કેશવજી શેઠ મુંબઈની ન્યાય સમિતિના અગ્રણી હોવાના કારણે તેમની બગી મુંબઈની જેલ પાસેથી પસાર થાય તો એ સમયે મુંબઈની જેલમાં જો કોઈ કેદીને ફાંસીની સજા આપવાની હોય તો તે રદ થતી હતી.
શેઠ કેશવજી નાયકે પોતાના વતન કોઠારા (કચ્છ)માં એ જમાનામાં લાખો રૂપિયાના ખર્ચે ત્રણ દાતા મળીને ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત શત્રુંજય પર્વત ઉપર શેઠ નરશી કેશવજી ની ટૂંક અને ત્યારબાદ તેમના સુપુત્ર નરશી શેઠએ શેઠ કેશવજી નાયક ની ટુક નું નિર્માણ કરાવ્યું હતું. તેમણે પાલીતાણામાં એક ધર્મશાળાનું પણ નિર્માણ કરાવ્યું હતું.
આ ઉપરાંત શેઠ શ્રી કેશવજી નાયક દ્વારા જિનશાસનના પ્રત્યેક અંગની સેવા કરવામાં આવી હતી.
મેં અગાઉ કહ્યું તેમ શેઠ શ્રી કેશવજી નાયકની જીવનકથા ખૂબ રસપ્રદ અને પ્રેરક છે. એટલે આપણે તેમના જન્મ પછીનો ઘટનાક્રમ જોઈએ.
સંવત્ ૧૮૭૫ એટલેકે ઈ. સ. 1818 માં કચ્છના લાખણિયા ગામે નાયક મણશીના ઘરે હીરબાઈ ની કૂખે પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ કેશવજી રાખવામાં આવ્યું. કેશવજી પાંચ વર્ષનો થયો એ અરસામાં તેના પિતા નાયકનું અવસાન થયું. યુવાન વયે માતા હીરબાઈ વિધવા થયા. પરંતુ એ માતાએ હિંમત હાર્યા વગર મહેનત-મજૂરી કરીને પુત્રનું પાલન-પોષણ કરવા માંડ્યું. હીરબાઈ નાનકડા કેશવજીને લઈને પોતાના પિયર રહેવા આવી ગયા.
10 વર્ષની ઉંમરે મામાની આંગળી પકડીને મુંબઈ આવ્યા
કેશવજી મોસાળમાં મોટો થવા લાગ્યો. 10 વર્ષની ઉંમરે મામા પદમશી નેણશી અને શિવજી નેણશીની આંગળી પકડીને વહાણમાં બેસીને તે મુંબઈ આવ્યો.
એ વખતે ભારત પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું. મુંબઈ જવું એ વિલાયત જવા બરોબર હતું.
હું નાનો હતો ત્યારે 45 વર્ષ પહેલા સુધી મેં જોયું છે કે દેશમાંથી (ગામ માંથી) મુંબઇ જનાર વ્યક્તિને કપાળે ચાંદલો કરી હાથમાં શ્રીફળ આપી તેની આરતી ઉતારીને વિદાય આપવામાં આવતી હતી અને હવે તો વર્લ્ડ ટૂર પર જવાની પણ કોઈ નવાઈ રહી નથી.
કેશવજીએ ગુસ્સામાં શાહીનો ખડિયો ચોપડા પર ઊંધો વાળી દીધો, પછી?
નાનકડો કેશવજી મોટા સપના લઈને મુંબઈ આવ્યો. એ સાહસિક અને બુદ્ધિશાળી હતો. થોડું-ઘણું ભણીને લખતા વાંચતા અને હિસાબ કિતાબ કરતા પણ શીખ્યો હશે.
શરૂઆતમાં કેશવજીએ શેઠ નરશી નાથાની અને પાછળથી શેઠ જીવરાજ રતનશીની પેઢીમાં નોકરી કરી હતી. એ પછી કેશવજી ભણવા સાથે પોતાના મામાની પેઢીમાં પણ કામ કરતા હતા.
એ દરમિયાન એમ કહેવાય છે કે મામાના પુત્રએ એક દિવસ જરીવાળા કપડા પહેર્યા હતા. એ જોઈને કેશવજીને પણ તેવા કપડાં પહેરવાનું મન થયું. તેણે તેવા કપડાં લેવાની માતા પાસે જીદ કરી. માતાએ પરિસ્થિતિ સમજાવી પરંતુ મામાના પુત્ર જેવો કિંમતી પોશાક નહીં પહેરી શકવાથી કેશવજી ઉદાસ રહેવા લાગ્યા હતા.
આ દરમિયાન મામાની પેઢીમાં ચોપડા લખતા કેશવજીથી કોઈ ભૂલ થઈ એટલે મામાએ ઠપકો આપ્યો. કેશવજીએ ગુસ્સામાં શાહીનો ખડિયો ચોપડા પર ઊંધો વાળી દીધો.
ગુસ્સામાં ને ગુસ્સામાં આવો ગંભીર ગુન્હો કરીને કેશવજી ઘરે જવાને બદલે જીવન ટૂંકાવી નાખવા માટે સીધો દરિયા બાજુ ભાગ્યો. હવે ઘરે પાછું ફરાય તેવી પરિસ્થિતિ ન હતી. સદભાગ્યે દરિયામાં પણ ઓટ હતી. કેશવજીએ મનમાં વિચાર્યું હશે કે ભરતી આવે એટલે દરિયામાં સમાઈ જવું. આમ વિચારતા વિચારતા એ રેતીમાં આડો પડ્યો અને ક્યારે ઊંઘ આવી ગઈ એ તેને ખબર ન રહી.
સવાર પડતાં એક ભાટિયા શેઠ ઝવેરી દેવજી શિવજી ત્યાં સમુદ્રના કિનારે ટહેલવા નીકળ્યા હતા. તેમની નજર કેશવજી પર પડી. આ ભાટિયા શેઠને એક જ્યોતિષીએ કહ્યું હતું કે તમે કોઈ બીજાના નામે ભાગીદારીમાં વેપાર કરો તો તમને ફાયદો થશે. એટલે તેઓ કેશવજીને પોતાની સાથે લઈ ગયા.
Sheth Keshvaji Nayak ના નસીબ આડેથી પાંદડું ખસી ગયું
દરમિયાન બન્યું એવું કે વિલાયત જતું એક વહાણ સફર રદ થતાં મુંબઈ બંદરે લાંગર્યું. તેમાં ભરેલી ખારેકનું લીલામથી વેચાણ થતાં, પોતાની પાસે પૈસા ન હોવા છતાં કેશવજીએ તે લીલામીમાં બોલી બોલીને એ માલ ખરીદી લીધો. ભાગ્ય જોગ ભાટિયા શેઠ ઝવેરી દેવજી શિવજીની સમયસર નાણાકીય સહાય મળી ગઈ અને ત્રણ દિવસમાં જ કેશવજીએ તે માલને રૂપિયા 8,000 ના નફાથી વેચી નાખ્યો.
એ વખતે કેશવજી ના હાથમાં 4000 રૂપિયા નફાના આવ્યા અને તે કેશવજી માંથી તે શેઠ કેશવજી નાયક બની ગયા. એ પછી જેતસી જીવરાજ તેરા વાળા તથા ગુર્જર દેવજી શેઠની સાથે શેઠ કેશવજી નાયકે ભાગીદારીમાં ધંધો કર્યો હતો.
ઈસવીસન 1838 માં Sheth Keshvaji Nayak ના પ્રથમ લગ્ન સુથરીના વેરસી પાસુના બહેન પાબુબાઈ સાથે થયા. એ પછી માતા હીરબાઈનું અવસાન થયું. પાબુબાઈથી કેશવજીને વિ. સં. 1896, ઈસવીસન 1839માં પુત્ર નરશી અને વિ. સં. 1900માં પુત્રી તેજબાઈનો જન્મ થયો. શેઠ કેશવજી નાયકના બીજા પત્ની માંકબાઈ હતા. ત્યારબાદ તેઓ વીરબાઈ સાથે પણ પરણ્યા હતા. માંકબાઈએ ત્રિકમજીને જન્મ આપ્યો પરંતુ તે અલ્પજીવી થયો. વીરબાઈ સાથે કેશવજી નાયકને જાજો મેળ ન હતો.
25 વર્ષની ઉંમરે સન 1900, ઇસવીસન 1843માં શેઠ કેશવજી નાયક પોતાના મામા શિવજી નેણશીએ પેઢી શરૂ કરતાં તેમની સાથે ભાગીદારીમાં જોડાયા હતા.
ઈ. સ. 1852 માં તેમણે ચીન અને આફ્રિકામાં પેઢીઓ સ્થાપી હતી. ચીન સાથે અફીણનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો હતો.
લોકોએ ગાદલાં ગોદડા માંથી રૂ કાઢીને કેમ વેચી દીધું?
એ દરમિયાન ઈ. સ. 1862 માં અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. રૂના ભાવ આસમાને ગયા હતા. રૂના વેચાણમાં એવી તેજી આવી કે લોકોએ ગાદલાં ગોદડા માંથી પણ રૂ કાઢીને વેચી દીધું. પૈસા ખૂબ આવ્યા એટલે બેન્કો, ફાઇનાન્શિયલ કોર્પોરેશનો ધડાધડ ખૂલવા લાગ્યા. આ વખતે કેશવજી શેઠે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સ્થાપી હતી.
એ અરસામાં કેશવજી શેઠે ભાગીદારીમાં અને તેમના પુત્ર નરશી શેઠે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરીને કાપડની મિલો સ્થાપી હતી.
મુંબઈના અંગ્રેજ ગવર્નરે શેઠ શ્રી કેશવજી નાયક ની મુલાકાત માંગી
કેશવજી શેઠે મુંબઈમાં જમીનોમાં પણ ખૂબ રોકાણ કર્યું હોવાથી તેઓ મોટા જમીનદાર પણ કહેવાતા હતા. મુંબાઈના કલેર, કર્ણાક, મસ્જીદ, એલફિન્સટન વગેરે બંદરો તથા વિશાળ જાગીરો તેમના કબજામાં હતી. એ વખતે બ્રિટિશ સરકારે પ્રાઇવેટ બંદરો સરકાર હસ્તક લેવાની જાહેરાત કરતાં મુંબઈના ગવર્નર સર સાઈમુર ફીટ્ઝજીરાલ્ડ એ પત્ર લખીને કેશવજી શેઠની મુલાકાત માંગી હતી.
ગવર્નર જ્યારે શેઠના નિવાસસ્થાને ગયા ત્યારે કેશવજી શેઠે નેપિયન્સી રોડ પર પોતાના બંગલાથી લઈને મસ્જીદ બંદરના પૂલ સુધી વિશાળ મંડપ બંધાવી ગવર્નરનું શાનદાર સ્વાગત કર્યું હતું. અંગ્રેજ ગવર્નર પણ કેશવજી શેઠનો વૈભવ જોઈને આશ્વર્ય ચકિત થઈ ગયો હતો.
એ જમાનામાં કેશવજી શેઠ પોતાના નેપિયન્સી રોડ પરના બંગલાથી માંડવીમાં પોતાની દુકાન સુધી ચાર ઘોડાની બગીમાં જતાં આવતા હતા. તેમની બગીનો કોચમેન અંગ્રેજ હતો.
શેઠ શ્રી કેશવજી નાયક દ્વારા વિ. સં. ૧૯૨૧ ની મહાસુદ ૭ ને ગુરુવારે પાલિતાણામાં પ. પૂ. શ્રી રત્નસાગર સૂરિની નિશ્રામાં ૭૦૦૦ જિનબિંબોની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ૧૨ દિવસ સુધી અંજનશલાકા મહોત્સવ ઉજવાયો હતો. પાલિતાણામાં રેકોર્ડ બ્રેક માનવ મહેરામણ ઉમટ્યો હતો.
મહા સુદ ૧૩ ને બુધવાર ના દિવસે શત્રુંજય ગિરિરાજ પર નરશી કેશવજીની ટૂંકમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી તથા પાલિતાણાની Sheth Keshvaji Nayak જૈન ધર્મશાળાના જિનાલય માં ચૌમુખ પ્રતિમાજી સહિત અનેક જિનબિંબો પધરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શેઠ શ્રી કેશવજી નાયકે એ જમાનામાં રૂપિયા ૧૫ લાખનો ખર્ચ કર્યો હતો અને એક લાખ રૂપિયા સાધારણ ખાતે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીમાં ભર્યા હતા.
શેઠ શ્રી કેશવજી નાયક ના જીવનનો સાર
આ મહાનાયક અને દાનવીર શેઠના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવ્યા હતા. અંત સમયે પરિસ્થિતિ પહેલા જેવી બિલકુલ ન હતી. શેઠના વંશ-વારસોની સ્થિતિ પરિસ્થિતિ પણ બદલાતી રહી હતી. પરંતુ સારા સમયમાં કમાયેલી લક્ષ્મીનો Sheth Keshvaji Nayak અને તેમના વારસદારોએ સદુપયોગ કરીને જે અમરકીર્તિ પ્રાપ્ત કરી એ એમના જીવનનો સાર છે. એ આપણે ન ભૂલવો જોઈએ.