આ અગાઉ અમે ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ 1 લખ્યા પછી શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થભૂમિનો ઇતિહાસનો આ ભાગ 2 અત્રે પ્રસ્તુત છે. જો આપે આ અગાઉનો ભાગ 1 ન વાંચ્યો હોય તો પહેલાં તે વાંચવા વિનંતી છે.
‘રંગીલી ઢાણી’ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ
આ દરમિયાન ઘણા ફેરફાર થયા. બીજા ભાગીદાર છૂટા થયા અને તે પછી જેમ તેમ કરી અમે વ્યાજે પૈસા લઈને પણ જમીન અમારી પાસે રાખી. વખત જતાં મારા ભાઈની ખૂબ ઈચ્છા હતી એટલે તેને એ જમીન ઉપર એક ઢાબો શરૂ કરાવ્યો.
મારો ભાઈ જયપુરના ‘ચોખી ઢાણી’ વિલેજ રિસોર્ટ અને ઈન્દોરમાં તેમના મિત્ર સંજય અગ્રવાલના નખરાલી ઢાણી રિસોર્ટથી ખૂબ પ્રભાવિત હતો એટલે તેણે આ ઢાબાનું નામ રાખ્યું, “રંગીલી ઢાણી’ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ.
ભાઇનો ઢાબો એટલે જાણે અન્નક્ષેત્ર. તેઓ રોડ પર રખડતા ભટકતા ભુખ્યા તરસ્યા માણસોને ‘રંગીલી ઢાણી’માં ભોજન પાણી આપતા, રસોઈમાં સારી કંપનીનું શુદ્ધ શિંગતેલ અને ચોખ્ખું ઘી વાપરતા તથા સારી ગુણવત્તાનું સાફ અનાજ વાપરવાનો તેમણે આગ્રહ રાખ્યો હતો. એટલું જ નહીં પરતું ઢાબા માટે અથાણાં પણ તેઓ ખાસ રાજસ્થાનથી મંગાવતા હતા. આમ ઘર જેવું શુદ્ધ ભોજન ઢાબા પર તેઓ સાવ સસ્તા ભાવે પીરસતા હતા. આમછતાં મેં કે પપ્પાએ તેમને કદી રોક્યા ન હતા. અલબત્ત, એ પપ્પાના જ સંસ્કાર હતા.
આમને આમ જમીન ખાતે મારું આર્થિક રોકાણ અને નુકસાન વધતું ગયું. પરંતુ ખબર ન હતી કે લોકોના મૂક આશીર્વાદનો નફો પણ ખૂબ વધતો જતો હતો.
અમારી પૂર્વના જમીન માલિકે પાણી માટે જમીનમાં જુદી જુદી ચાર જગ્યાએ ઊંડે સુધી બોરિંગ કરાવ્યા હતા છતાં તેમને પાણી મળ્યું ન હતું.
રેસ્ટોરન્ટ (ઢાબો) માણસોના ભરોસે મુકીને ચૂંટણી પ્રચારમાં
મારા ભાઈએ દોઢેક વર્ષ રંગીલી ઢાણી રેસ્ટોરન્ટ ખોટમાં ચલાવી. એ દરમિયાન 1998માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી. મારો ભાઈ મૂળ તો ભાજપનો સૈનિક; એટલે વતનમાંથી તેની પાર્ટીના કાર્યકર્તા મિત્રોના જેવા સમાચાર આવ્યા કે તરત જ તે રેસ્ટોરન્ટને માણસોના ભરોસે મુકીને મનોરથી ચુંટણી પ્રચાર માટે સીધો વલભીપુર પહોંચી ગયો. ત્યાં તે રાજકારણમાં સાવ નવા ઉદ્યોગપતિ સૌરભભાઈ દલાલ (પટેલ)ની સૌ પ્રથમ ચૂંટણીનો ઈન્ચાર્જ રહ્યો.
ખોટ ખાઈને ઢાબો બંધ કર્યો
મતદાન પતાવીને એ જ્યારે મનોર પરત આવ્યો ત્યારે ખબર પડી કે ઢાબા પરથી મ્યુઝીક સિસ્ટમ વગેરે ઘણું ચોરાઇ ગયું હતું. આખરે થોડા વખતમાં ખોટ ખાઈને ઢાબો બંધ કરવો પડ્યો.
જોકે કર્યું કોઈનું ક્યારેય નિષ્ફળ જતું નથી. ભાઈએ ઢાબો ચલાવ્યો એ દરમિયાન તેને સતત અમારી આ જમીન પર રહેવાનું થયું. એનો ફાયદો એ થયો કે એટલો વખત જમીન સચવાઈ અને આસપાસના વિસ્તારમાં લોકોની સાથે સંબંધો કેળવાયા.
Related: શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થભૂમિનો ઇતિહાસ (ભાગ 1)
આખરે ‘રંગીલી ઢાણી’ રેસ્ટોરન્ટનું અચ્યુતમ્ કેશવમ્ થયું. એ પછી નવું કશું કરવાની આર્થીક શક્તિ ન હતી એટલે બહુ લાંબો સમય જમીનને ભૂલી ગયા વગર છૂટકો ન હતો. પરંતુ એ દરમિયાન અવારનવાર જમીન પર અમારા આંટાફેરા ચાલુ રહ્યા.
અહીં બીજી મુખ્ય વાત એ કરવાની કે આ જમીનમાં એક સૌથી મોટો માઈનસ પોઈન્ટ હતો. અને તે એજ કે અહીં અમારી પૂર્વના આ જમીનના માલિકે પાણી માટે જમીનમાં જુદી જુદી ચાર જગ્યાએ ઊંડે સુધી બોરિંગ કરાવ્યા હતા છતાં તેમને પાણી મળ્યું ન હતું.
નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવું સરળ ન હતું
એ પછી અમે જમીન ખરીદી તે વખતે અમે પણ બે-ત્રણ બોર કરાવ્યાં છતાં પાણી ન મળ્યું. આખરે અમે એવો વિચાર કર્યો હતો કે 500 મીટર દૂર નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવું. પરંતુ આ કામ સરળ ન હતું. વચ્ચે બીજા લોકોના ખેતરમાં પાઇપ નાખવા એ કાયમી મુસીબત જેવું હતું.
આખરે જમીન વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ જમીનમાં પાણી નથી એ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેતો હતો.
આવા સંજોગોમાં જમીનમાં હવે કશું ડેવલપમેન્ટ થાય તેવી સંભાવના રહી ન હતી. આખરે જમીન વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ જમીનમાં પાણી નથી એ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેતો હતો.
એક દિવસ મારો ભાઈ એમજ જગ્યા પર આંટો મારવા ગયો હતો, ત્યારે બાજુમાં અનમ રેસ્ટોરન્ટમાં ત્યાંના મેનેજર પ્રદિપભાઈ સાથે વાત માંથી પાણીની વાત નીકળી. તેમણે સલાહ આપતા ભાઈને કહ્યું કે ‘અમે અહિયાં અમર મોદી નામના એક ભૂસ્તરશાસ્ત્રી (Geologist) પાસે પાણીના પોઈન્ટ મરાવ્યા હતા તેમાં મીઠું પાણી મળ્યું છે. તેનો ચાર્જ બહુ મોંઘો પડે પણ તમને પાણી જરૂર મળશે. તમે તેમને બોલાવો’. એમ કહીને પ્રદીપભાઈએ ભૂસ્તરશાસ્ત્રીનું વિજીટિંગ કાર્ડ આપ્યું.
ભૂસ્તરશાસ્ત્રી પાસે જમીનમાં પોઈન્ટ ચેક કરાવ્યાં
મારા ભાઈએ મને વાત કરી. પણ એ અરસામાં મેં લોઅર પરેલમાં નવો ગાળો લઈને પ્રિન્ટિંગનો ધંધો વધાર્યો હતો એટલે પૈસાની તંગી હતી; છતાં થોડાં દિવસ પછી અમે અમર મોદીને બોલાવીને તેમની પાસે જગ્યામાં પાણી માટે પોઈન્ટ ચેક કરાવ્યાં.
જમીનમાં પાણી ક્યાંથી મળશે એ માટેના પોઈન્ટ તો ચેક કરાવ્યાં પરંતુ હમણાં પાણીની જરૂર ક્યાં હતી! પોઈન્ટ વાળી જગ્યાએ લાકડાની ખૂંટી મારીને તેના પર મોટા પથ્થર મૂકી નિશાનીઓ કરી રાખી.
બે ત્રણ વર્ષ ચહલપહલ રહ્યા પછી રોડ ટચ આટલી વિશાળ જમીન અચાનક સુમસામ થઈ ગઈ એ કોઈને ન ગમ્યું. હાઇવે પર અવારનવાર પસાર થતા લોકોને પણ એ સવાલ થતો હતો કે આ ઢાબો કેમ બંધ થઈ ગયો? પરંતુ ભાવિના ગર્ભમાં ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ 2 પછી લખેલો ઘટનાક્રમ લખાયો હશે તેની ક્યાં ખબર હતી.
લાગણી થકી લોકો જાતજાતની સલાહ આપતાં હતા
ઘણા લોકો જમીન વિકસાવવા માટે અમને જાતજાતની સલાહ પણ આપતાં હતા. અને અમે એ લોકોને હા એ હા કરતા હતા. જોકે આટલા અનુભવ પછી અમે એ હકીકત સમજી ચુક્યા હતા કે જમીનમાં ઢગલા મોઢે પૈસા નાખીએ તો જ કંઈક દેખાય. અત્યાર સુધીમાં અમે ઘણા પૈસા ખર્ચ કર્યા છતાં બીજાને તેનું કશું દેખાય નહિ એ સ્વાભાવિક હતું.
આ જમીન સાથે શરૂઆતથી જ અમારા પરિવારને ખૂબ લગાવ રહ્યો હતો. એથી હવે અમારાં માટે ધર્મસંકટ ઉભું થયું. એક તો પ્રિન્ટિંગના ચાલુ ધંધા માંથી સમય અને પૈસા કાઢીને જમીનમાં નાખવાની કોઈ તૈયારી ન હતી. સાથોસાથ જમીનને સાચવીને શું કરવું એ પણ મોટો પ્રશ્ન હતો. છેવટે મમ્મી પપ્પા તથા પરિવારની સંમતીથી જમીન વેચવાનો નિર્ણય કર્યો; અને જાણીતા દલાલોને વાત કરી.
પિતાનું અવસાન
એ અરસામાં થોડા મહિના પછી તા. 23 ડિસેમ્બર 1999ના રોજ અમારા પપ્પાનો સ્વર્ગવાસ થયો. અમને એક વાતનો અફસોસ એ રહી ગયો કે અહીં જે ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ 2 પછીનો ઘટનાક્રમ તેઓ જોઈ ન શક્યા. જો તેઓ હયાત હોત તો તેમની ખુશીનો પાર ન હોત.
એક દિવસ અમારી ઓફિસે એક મશહૂર ફિલ્મ અભિનેતાના મોટા ભાઈ મળવા આવ્યા. તેમણે પોતાનો પરિચય આપીને જણાવ્યું કે તેમના ભાઈ ફિલ્મ અભિનેતા અમારી જમીન ખરીદવા માંગે છે.
એ પછી તો જમીન પર જવાનું સાવ ઘટી જ ગયું. માત્ર રશીદભાઈ નામનો એક માણસ કે જે અમારી જમીનની બાજુમાં આવેલ ઝુંપડીમાં રહેતા હતા અને શરૂઆતથી જ અમારું કામ સંભાળતા હતા એ અને પડોશી વિજુ (વિજય) હવે જમીનની દેખરેખ કરતાં હતા.
મશહૂર ફિલ્મ અભિનેતાએ જમીન ખરીદવામાં રસ દાખવ્યો
આમને આમ ઢાબો બંધ કર્યાને પાંચ વર્ષ વીતી ગયા. આ દરમિયાન ઘણી પાર્ટીઓએ જમીન ખરીદવા માટે રસ બતાવ્યો પરંતુ કોઈ સાથે જામ્યું નહીં. એવામાં એક દિવસ અમારી ઓફિસે એક મશહૂર ફિલ્મ અભિનેતાના મોટા ભાઈ તેમના એક મિત્ર સાથે મળવા આવ્યા. તેમણે પોતાનો પરિચય આપીને જણાવ્યું કે તેમના ભાઈ ફિલ્મ અભિનેતા અમારી જમીન ખરીદવા માંગે છે. વાત સાંભળીને અમારે મન તો જાણે ‘ગોળના ગાડા આવ્યા’, मन में लड्डू फूटे… એવું થયું.
ફિલ્મ અભિનેતા સાથે જમીનનો સોદો નક્કી થયો
એ ફિલ્મ અભિનેતાના ભાઈએ ફિલ્મ અભિનેતાના જુહું સ્થિત નિવાસસ્થાને અમારી મિટિંગ નક્કી કરી. આખરે એ દિવસ આવી ગયો જ્યારે અમે હીરો નંબર વનના ઘરે એમની સામે જઈને બેઠાં. એ પણ તેમના ફેન તરીકે નહીં પરંતુ જમીનના માલિક તરીકે જમીનનો સોદો કરવા માટે.
વાતચીત શરૂ થઈ. અમે અમારો તદ્દન વ્યાજબી ભાવ કહ્યો. થોડી સોદાબાજી બાદ અમારી જમીનનો સોદો નક્કી થયો. ફિલ્મ અભિનેતા અને તેમના મોટા ભાઈ ખૂબ સરળ સ્વભાવના અને માયાળુ છે. તેમણે તેમના પરિવાર સાથે અમારો પરિચય કરાવ્યો અને અમારી મહેમાનગતિ કરી. એ વખતે અમારા મનમાં આશ્ચર્ય સાથે આનંદ હતો.
સોદો થયા બાદ એક દિવસ એ ફિલ્મ અભિનેતા જગ્યા જોવા આવ્યા. તેઓ તેમના મોટાભાઇ અને એક ફેમિલી ફ્રેન્ડ સાથે અમારી જમીન પર આવ્યા હતા. અમારા હરખનો પાર ન હતો. તેમણે જમીન જોઈ. તેમને આ જમીન ઉપર જબરદસ્ત ફિલ્મ સ્ટુડિયો બનાવવાની ઇચ્છા હતી.
મોટા ભાઈએ અમારો સંપર્ક કર્યો તે પહેલા તે ફિલ્મ અભિનેતા એ જમાનાની મશહૂર હિરોઈનને લઈને આપણી જમીન પર આંટો મારી ગયા હતા. જોકે તે અમારી જાણમાં ન હતું. એ વખતે તેઓ અમારા માણસ રશીદભાઈને મળ્યા હતા.
આ વખતે ફિલ્મ અભિનેતા સાથે વાતચીતમાં મદદરૂપ થઈ શકે તે માટે શાંતિકાકા સહિત પાલઘરના એક એડવોકેટ વગેરેને પણ અમે હાજર રાખ્યા હતા. બે કલાક જેટલો સમય જ્ગ્યા પર ગાળીને શાંતિલાલજીના કહેવાથી ફિલ્મ અભિનેતા વગેરે સહિત અમે સૌ પાલઘર ગયા. ત્યાં. રસ્તામાં એક રિસોર્ટની પણ મુલાકાત લીધી.
એ સિવાય એડવોકેટની ઓફિસે જઈને દસ્તાવેજ સબંધી ચર્ચા કરી. ત્યારબાદ શાંતિલાલજીના નિવાસ્થાને ચા-નાસ્તો કરીને અમે સૌ છૂટા પડ્યા. રાત્રે ઘરે જઈને અમે પરિવાર સમક્ષ આખા દિવસની માંડીને વાત કરી ત્યારે, ઘરના સૌ ખુશ થયા અને અમે મશહૂર ફિલ્મસ્ટાર સાથે આપણો એક સબંધ બંધાયો એ વાતનું ગર્વ અનુભવ્યું હતું.
જમીનનો સોદો કેન્સલ થયો
એ દિવસ પછી આજકાલ કરતાં ત્રણ મહિના વીતી ગયા. શરૂઆતમાં અવારનવાર મોટાભાઇ અને ફિલ્મ અભિનેતા સાથે ફોન પર વાત થતી હતી. એડવોકેટ દ્વારા જમીન અંગેનો સંપૂર્ણ રેકોર્ડ પણ તપાસવામાં આવ્યો હતો. જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ તૈયાર કરી એડવોકેટ દ્વારા એગ્રીમેન્ટની કોપી પણ તૈયાર હતી.
આ બધા માટે મારા ભાઈએ ખૂબ પરિશ્રમ કર્યો હતો. પરંતુ નસીબ કોને કહેવાય એ ત્યારે સ્પષ્ટ સમજાયું જ્યારે એ ફિલ્મ અભિનેતા તરફથી કોઈ કારણસર સોદો રદ કરવામાં આવ્યો.
અમને બહુ જટકો લાગ્યો. આખરે કાયદેસરની કાર્યવાહી દ્વારા સોદો રદ કરાયો. આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે નિરાશ થઈ જવાય પરંતુ કુદરતી અમે આ બધુ બહુ હળવાશથી લીધું.
અમારા પપ્પા અમને અવારનવાર કહેતા કે,
“ જે થાય તે સારા માટે ”.
અને અમે એ વાતને મંત્ર તરીકે જ રટ્યે રાખ્યો. હવે અમે ધ્યાન કેન્દ્રિત કર્યું જમીનમાં પાણી મેળવવા તરફ.
ધર્મધામ તીર્થભૂમિનો ઇતિહાસ ભાગ 2 પછી હવે પછીના ભાગ 3 માં આપણે જોઈશું કે અમારી જમીન માંથી પાણી મળ્યું કે નહીં? પછી શું થયું?
ક્રમશઃ